નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યાના એક દિવસ બાદ કહ્યું હતું કે, દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી, કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને મારી ઓફિસમાં પણ ગયા હતા. સીબીઆઈના અધિકારીઓ સારા છે, તેમને ઉપરથી આદેશ થયો હોવાથી તેનું પાલન કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું કે, સત્યેન્દ્ર જૈન પહેલાથી જ જેલમાં છે અને મારી પણ બે-ત્રણ દિવસમાં ધરપકડ કરાશે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે પોતાનો નિર્ણય ન બદલ્યો હોત તો આજે દિલ્હી સરકારને 10 હજાર કરોડનો ફાયદો થયો હોત. ગઈકાલે મનોજ તિવારી કહેતા હતા કે, 10 હજાર કરોડનું કૌભાંડ છે. ત્યારે પાર્ટીના નેતાઓ તેમને કહે છે કે 1100 હજાર કરોડનું કૌભાંડ છે. એલજીના રિપોર્ટમાં કંઈક બીજું છે અને સીબીઆઈ દ્વારા લાવવામાં આવેલા પેપરમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. મુદ્દો કૌભાંડનો નહીં પરંતુ મુશ્કેલીઓ કેજરિવાલથી છે કેમ કે તેમને રાષ્ટ્રીય વિકલ્પના રૂપમાં જોવામાં આવી રહ્યાં છે.
સિસોદિયાએ કહ્યું કે, બુંદેલખંડ એક્સપ્રેસ વેની તપાસ થવી જોઈએ. અરવિંદ કેજરીવાલ ઈમાનદાર નેતા છે. દિલ્હીના સ્વાસ્થ્ય અને શિક્ષણને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. જેના કારણે આ બધુ આરોગ્ય અને શિક્ષણ મંત્રી સાથે થઈ રહ્યું છે. સિસોદિયાએ વધુમાં કહ્યું કે, જે દિવસે અરવિંદ કેજરીવાલે મેક ઈન્ડિયા ઝુંબેશ શરૂ કરી, મોદીજીએ આ બધું કરવાનું શરૂ કર્યું.
તેમણે વધુમાં કહ્યું કે, જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર કેવી રીતે પાડવી તે અંગે મોદીજી 24 કાક વિચારે છે. પૈસા, ઈડી અને સીબીઆઈના નામે સરકાર પાડવાના પ્રયાસ થાય છે. 2023માં નરેન્દ્ર મોદી અને કેજરીવાલ વચ્ચે ચૂંટણી યોજાવાની છે, જેને રોકવા માટે મોદીજી આ બધુ કરી રહ્યાં છે. એકાદ-બે દિવસમાં મને પણ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.