નવી દિલ્હીઃ બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને લાલુ અને કોંગ્રેસ સાથે મળીને ફરીથી સત્તાની બારડોર સંભાળી છે. ભાજપનો સાથ છોડ્યા બાદ નીતિશ પટેલ દ્વારા વિપક્ષને એક કરવાના પ્રયાસોની સાથે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે હુંકાર કર્યો છે કે, હવે આ જનમમાં તો હું ફરી ભાજપ સાથે જોડાણ નહી જ કરું.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સત્તાનો દુરૂપયોગ કરીને સરકારી એજન્સીઓનો લાલુ પ્રસાદ યાદવ સહિતના રાજકીય હરીફોને ખતમ કરવા માટે ઉપયોગ કરે છે. અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના સમયમાં ભાજપના નેતા જમીન પર હતા જ્યારે હાલની નેતાગીરી અંહકારી છે એવો દાવો પણ નીતિશે કર્યો હતો.
ભાજપના નેતા નીતિશની વાતોને હાસ્યાસ્પદ ગણાવી કહ્યું હતું કે, આ જ નીતિશ કુમાર ભવિષ્યમાં સત્તા ટકાવવા માટે જરૂર પડે તો ભાજપના પગોમાં આળોટી જવામાં પણ વિચાર નહીં કરે. નીતિશના અત્યાર સુધી બદલેલા રાજકીય સાથીઓનો ઈતિહાસ તપાસશો તો પણ આ વાત સમજાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે મલીને બિહારમાં સત્તા મેળવી હતી. જો કે, થોડા મહિનાઓ બાદ નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીને ફરીથી ભાજપનો હાથ પકડ્યો હતો અને ભાજપની મદદથી ફરીથી સત્તા સંભાળી હતી. જો કે, તાજેતરમાં જ નીતિશ કુમારે ભાજપ સાથે છેડો ફાડીને જુના સાથીઓ સાથે મળીને ફરીથી સરકાર બનાવી હતી. તેમજ હાલ તેઓ દેશમાં ભાજપ વિરોધી પક્ષોને એક છત નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.