ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકમાં બાલાકોટમાં માર્યો ગયેલો આતંકી મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર કેટલો હતો ખતરનાક?
પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો બનેવી યૂસુફ અઝહર બાલાકોટ ખાતેના આતંકી તાલીમ કેમ્પની દેખરેખ કરતો હતો.
ભારતીય વાયુસેનાએ મંગળવારે વહેલી સવારે પુલવામા એટેકનો બદલો લેતા બાલાકોટ, ચકોઠી અને મુઝફ્ફરાબાદના આતંકવાદી તાલીમ કેમ્પો પર હુમલા કર્યા છે. આ હુમલામાં બાલાકોટ ખાતેની એર સ્ટ્રાઈકમાં મૌલાના મસૂદ અઝહરનો બનેવી અઝહર યૂસુફ ઉર્ફે ઉસ્તાદ ગૌરી ત્રણસો આતંકવાદીઓ સાથે ઠાર થયો છે. બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં આવેલું છે અને ચકોઠી તથા મુઝફ્ફરાબાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા છે.
ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં કહ્યુ છે કે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિર ચાલતી હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા હતા. માહિતી એ પણ હતી કે અહીં મોટી સંખ્યામાં આતંકવાદીઓ હતા. ગોખલેએ કહ્યુ છે કે પાકિસ્તાનની આતંકવાદી શિબિરો સંદર્ભે ઘણીવાર પુરાવા આપ્યા હતા. પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં. તેમણે કહ્યુ છે કે બાલાકોટ આતંકવાદી શિબિરને જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનો બનેવી અઝહર યૂસુફ ઉર્ફે ઉસ્તાદ ગૌરી ચાલતો હતો.
અઝહર યૂસુફ એર સ્ટ્રાઈકમાં માર્યો ગયો છે. તે 1999માં ભારતીય વિમાન આઈસી-81ના અપહરણમાં પણ સામેલ હતો. યૂસુફ અઝહર વિરુદ્ધ ભારતમાં અપહરણ અને હત્યાનો મામલો નોંધાયેલો છે.
ભારતીય વિદેશ સચિવે કહ્યુ છે કે ઈન્ડિયન એરફોર્સે આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી, તેના પ્રશિક્ષકો, સિનિયર કમાન્ડર અને જેહાદીઓને ઢેર કર્યા છે.
2002માં ભારત સરકારે પાકિસ્તાનને 20 ભાગેડું આતંકવાદીઓની યાદી સોંપી હતી. આ યાદીમાં યૂસુફ અઝહરનું નામ પણ સામેલ હતું. 2000માં સીબીઆઈના અનુરોધ પર ઈન્ટરપોલે પણ તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. યૂસુફ અઝહર ઉર્દૂ અને હિંદી બોલવામાં માહેર હતો.
વિજય ગોખલેએ કહ્યુ છે કે વિશ્વસનીય ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે કે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં વધુ આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી રહ્યું હતું. ખતરાને જોતા એક પૂર્વનિર્ધારીત સ્ટ્રાઈક બિલકુલ આવશ્યક બની ગઈ હતી. આજે ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા તાલીમ કેમ્પ પર બિનલશ્કરી એકતરફી હુમલો કર્યો છે. આ હુમલામાં ટોચના આતંકી કમાન્ડરોને મારવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે 18 સપ્ટેમ્બર-2016ના રોજ ઉરીમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલાના 11 દિવસ બાદ ભારતીય સેનાએ પીઓકેમાં 29 ઓક્ટોબરે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં આતંકવાદીઓએ લગભગ સાત આતંકી લોન્ચ પેડ્સને તબાહ કર્યા હતા. પુલવામા હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે તેમણે સેનાને કાર્યવાહી માટે સંપૂર્ણ છૂટ આપી દીધી છે. તેના સિવાય પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ કરવા માટે પગલા ઉઠાવાઈ રહ્યા છે.