પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈખ પર પાડોશી દેશ અને કોંગ્રેસના સવાલો વચ્ચે વાયુસેનાધ્યક્ષે સોમવારે સ્પષ્ટતા કરી છે કે બોમ્બ તેના લક્ષ્યો પર ત્રાટક્યા હતા.
બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પોતાના પહેલા પ્રેસ બ્રીફિંગમાં એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ સ્પષ્ટતા કરી છે કે એરફોર્સે ટાર્ગેટને હિટ કર્યા હતા. તેની સાથે જ તેમણે પાકિસ્તાની એફ-16ને ખદેડવા મિગ-21 બાઈસનના ઉપયોગનું કારણ પણ જણાવ્યું હતું.
આતંકીઓની તબાહી પર
એર ચીફ માર્શળ બી. એસ. ધનોઆને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે પાકિસ્તાન હજીપણ બાલાકોટમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાની વાતને રદિયો આપી રહ્યું છે. તેના પર તેમણે કહ્યુ હતુ કે જો વાયુસેનાએ ટાર્ગેટ હિટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, તો તેમણે ટાર્ગેટને હિટ કર્યા છે. એરસ્ટ્રાઈકમાં આતંકવાદોના મોત સાથે જોડાયેલા સવાલોના જવાબમાં એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યુ ચે કે અમે ટાર્ગેટ હિટ કરીએ છીએ, લાશોની ગણતરી કરતા નથી. અમે માત્ર એટલું જોઈએ છીએ કે ટાર્ગેટ હિટ કર્યો કે નહીં. હા, અમે ટાર્ગેટ હિટ કર્યા છે.
એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યુ છે કે ટાર્ગેટ સંદર્ભે વિદેશ સચિવે પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું. અમે અમારા નિર્ધારીત ટાર્ગેટને હિટ કર્યા છે. જો અમે જંગલમાં સ્ટ્રાઈક કરી હોત, તો તેમને (પાકિસ્તાનને) જવાબ આપવાની શું જરૂરત હતી?
મિગ-21 બાઈસનના ઉપયોગ પર
મિગ-21 બાઈસનના ઉપયોગના સવાલ પર તેમણે કહ્યુ હતુ કે કેમ નહીં કરીએ, હું ચાલી રહેલા ઓપરેશન મામલે ટીપ્પણી કરી શકું નહીં. ઓપરેશન હજીપણ ચાલુ છે. એરચીફ માર્શલ બી. એસ. ધનોઆએ કહ્યુ છે કે મિગ-21 બાઈસન અપગ્રેડેડ વિમાન છે અને અમે અમારા તમામ ઉપલબ્ધ વિમાનનો ઉપયોગ કરીશું. તેમણે ક્હયુ છે કે મિગ-21 બાઈસન એક સારું વિમાન છે, તેને અપગ્રેડ કરવામાં આવ્યું છે. તે સારા રડાર, એર-ટુ-એર મિસાઈલો અને સારી વેપન સિસ્ટમથી સજ્જ છે. તેને અપગ્રેડ કરીને 3.5 જનરેશનનું કરવામાં આવ્યું છે. વાયુસેના પોતાની પાસે રહેલા તમામ વિમાનોનો ઉપયોગ કરશે. વાયુસેનાધ્યક્ષે કહ્યુ છે કે પ્લાન્ડ ઓપરેશનમાં તમે યોજના બનાવો છો કે કેવી રીતે તેને પાર પાડશો, પરંતુ દુશ્મનની કાર્યવાહીના જવાબમાં તે સમયે જે પણ વિમાન ઉપલબ્ધ હશે, તેનો ઉપયોગ કરીએ છીએ.
મહત્વપૂર્ણ છે કે બાલાકોટમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ ખિજાયેલા પાકિસ્તાને ગત સપ્તાહે ભારતીય સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કરવાની નિષ્ફળ કોશિશો કરી હતી. તે વખતે ભારતીય યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના એફ-16 યુદ્ધવિમાનને ખદેડયા હતા અને એક એફ-16ને તોડી પાડયું હતું. તેનો કાટમાળ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ રહેલા કાશ્મીરમાં પડયો હતો. જો કે આ ઓપરેશન દરમિયાન ભારતનું એક મિગ-21 ક્રેશ થયું હતું અને તેના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પેરાશૂટતી પીઓકેમાં ઈજેક્ટ થયા હતા. ભારતના દબાણમા પાકિસ્તાને બાદમાં તેમને પાછા સોંપ્યા હતા.
વિંગ કમાન્ડર અભિનંદનના ફરીથી વિમાન ઉડાડવા મામલે
વિંગ કમાન્ડર અભિનંદન ક્યારે ફરીથી યુદ્ધવિમાન ઉડાડી શકશે, તેના જવાબમાં એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ કહ્યુ છે કે આ મામલો વિંગ કમાન્ડરની મેડિકલ ફિટનેસ પર નિર્ભર છે. વાયુસેનાધ્યક્ષે કહ્યુ છે કે વિંગ કમાન્ડર અભિનંદનનું ફરીથી ફાઈટર પ્લેન ચલાવવું તેમની મેડિકલ ફિટનેસ પર નિર્ભર છે. એક વાર જ્યારે તેમને મેડિકલ ફિટનેસ મળી જશે, ત્યારે તેઓ વિમાન ઉડાડી શકશે.