પાકિસ્તાનના બાલાકોટ પર એરસ્ટ્રાઈકમાં નિશાને લાગ્યા 80% બોમ્બ, એરફોર્સે સરકારને સોંપ્યા પુરાવા
જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓને તબાહ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એરસ્ટ્રાઈક પર મોટી અપડેટ સામે આવી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલમાં બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોની સોંપણી કરી છે. આ પુરાવામાં એરસ્ટ્રાઈકની તસવીરોનો પણ સમાવેશ થાય છે. તેની સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે વાયુસેનાની એરસ્ટ્રાઈકમાં મોટા ભાગના બોમ્બ નિશાના પર યોગ્ય રીતે લાગ્યા છે.
સૂત્રોનો દાવો છે કે વાયુસેનાએ સરકારને 12 પૃષ્ઠોનો રિપોર્ટ સોંપ્યો છે. તેમા વાયુસેનાએ બાલાકોટના સંબંધિત વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો પણ શેયર કરી છે. જો કે આ રિપોર્ટને જાહેર કરવો કે નહીં તેનો નિર્ણય મોદી સરકારે કરવાનો છે.
વાયુસેનાના રિપોર્ટમાં બાલાકોટમાં તેમના 80 ટકા નિશાન યોગ્ય રીતે પાર પાડવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હોવાનું પણ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે. જે બોમ્બ ફેંકવામાં આવ્યા છે, તે બોમ્બ ઈમારતોની અંદર સીધા ગયા છે. તેના કારણે જે પણ તબાહી થઈ છે, તે અંદર જ થઈ છે.
રિપોર્ટ મુજબ, જે મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમણે સીધી ઈમારતની છતને ભેદીને ટાર્ગેટ પર પ્રહાર કર્યો છે. એરફોર્સના રિપોર્ટ મુજબ, બાલાકોટમાં જે સમયે આ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી, ત્યારે ત્યાં રહેલા તમામ ટાર્ગેટ તબાહ કરી દેવામાં આવ્યા હતા.
જૈશ-એ-મોહમ્મદના ચાર કેમ્પો ધ્વસ્ત
વાયુસેનાના ગુપ્ત રિપોર્ટ સંદર્ભે એક મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પોને આ એરસ્ટ્રાઈકથી ઘણું મોટું નુકસાન પહોંચ્યું છે. જૈશ-એ-મોહમ્મદના ચાર કેમ્પોને ધ્વસ્ત કરવામાં આવ્યા છે.
26 ફેબ્રુઆરીએ કરાઈ હતી એરસ્ટ્રાઈક
મહત્વપૂર્ણ છે કે 14મી ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદે પુલવામામાં આતંકવાદી હુમલો કરાવ્યો હતો. તેની સામે વળતી કાર્યવાહી કરીને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા હતા. એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ મિરાજ-2000નો ઉપયોગ કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દીધા હતા. પાકિસ્તાન સતત દાવો કરી રહ્યું હતું કે તેનું કોઈ નુકસાન થયું નથી, માત્ર કેટલાક વૃક્ષો ધ્વસ્ત થયા હતા.
વાયુસેનાએ આપ્યો હતો જવાબ
26 ફેબ્રુઆરીએ એરસ્ટ્રાઈક બાદથી જ તેના પુરાવા સામે રજૂ કરવાની વાત કહેવામાં આવી રહી હતી. વાયુસેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે તેમનું મિશન સંપૂર્ણપણે સફળ રહ્યું છે, તેવામાં પુરાવાને સામે મૂકવાનો નિર્ણય સરકારે જ કરવાનો છે. વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી. એસ.ધનોઆએ કહ્યુ હતુ કે જો પાકિસ્તાનને કોઈ નુકાસન થયું નથી, તો પાકિસ્તાનની વાયુસેનાએ આપણા વિસ્તારોમાં આવીને આવા પ્રકારની મૂવમેન્ટ કેમ કરી હતી?
રાજકીય નિવેદનબાજી
વિપક્ષના ઘણાં નેતાઓ માગણી કરી ચુક્યા છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના પુરાવાને રજૂ કરવા જોઈએ. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહ, મનીષ તિવારી સિવાય એનડીએમાં ભાજપના સાથીપક્ષ શિવસેનાએ પણ એરસ્ટ્રાઈકની સચ્ચાઈને જનતાની સામે મૂકવાની વાત કહી હતી. જો કે સરકાર અને ભાજપ તરફથી દરેક વખતે કહેવામાં આવ્યું છે કે વિપક્ષી પાર્ટીઓ સેનાનું મનોબળ ઘટાડવાનું કામ કરી રહી છે.