જમીનના કથિક કૌભાંડમાં IAS કે,રાજેશની CBIએ કરી ધરપકડ, સહ આરોપી રફિકને 1 દિવસના રિમાન્ડ
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજ્યના સિવિલ સર્વિસના અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આઈએએસ અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ CBIએ દરોડા પાડ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોરના બે હજાર કરોડના જમીન કૌભાંડનો રેલો કે. રાજેશ સુધી પહોચ્યો છે. IAS કે. રાજેશ ઉપરાંત CBIએ સુરતથી વેપારી રફીક મેમણની ધરપકડ કરી હતી. રફીક મેમણને 10 દિવસના રિમાન્ડની માગ સાથે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કે. રાજેશને આજે કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
સુત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલિન કલેક્ટર કે. રાજેશ સામે તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા. તેમજ અનેક ફરિયાદો પણ થઇ હતી. ત્યારબાદ તેમને રાજ્યના ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધ (એસીબી) વિભાગમાં ફરિયાદ થતાં કે.રાજેશની બદલી કરી નાખવામાં આવી હતી. હાલ તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના વિરુદ્ધ અધિક મુખ્ય સચિવની રેન્જના અધિકારી મારફત ઉચ્ચ સ્તરીય તપાસ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સીબીઆઈએ એકસામટા દરોડા પાડ્યા હતા અને કે. રાજેશની ધરપકડ કરી છે.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલો ક્લીયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો ઊઠી હતી. તમામ પ્રાથમિક ફરિયાદો પર તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટ ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. તેના આધારે દિલ્હી યુનિટની ટીમ ગાંધીનગર આવી હતી. ત્યારબાદ એકસામટા દરોડા પાડવામાં આવ્યા હતા.
સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં કેટલાક વચેટીયા પણ સામેલ હોવાની માહિતી મળી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. દરોડા દરમિયાન ભ્રષ્ટાચારને લગતા દસ્તાવેજો મળી આવવાની અને તેના આધારે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જમીન સોદા, હથિયાર લાયસન્સના લાંચ લેવાના પ્રકરણ ઉપરાંત અન્ય કેટલાક પ્રકરણની પણ તપાસ કરી રહેલી સીબીઆઈએ મૂળ આંધ્રપ્રદેશના વતની કે. રાજેશના નિવાસ સ્થાને દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરી હતી. વચેટીયાઓ મારફત ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું સીબીઆઈના ધ્યાને આવ્યું છે જેથી સુરેન્દ્રનગરનાં અનેક માથાઓ પણ ભૂગર્ભ ઉતરી ગયા હોવાની ચર્ચા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડમાં કથિતરીતે સેડાવાયેલા સામે અવાર-નવાર સરકારમાં રજૂઆતો થઈ હતી.અને સનદી અધિકારી કે.રાજેશ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. હથિયાર પરવાના મામલે વિવિધ પ્રકારની માગણીઓના જિલ્લા કલેકટર તરીકે ફરજ દરમિયાન કે.રાજેશના ફોટા પણ વાયરલ થયા હતા. આ મામલે સીબીઆઈમાં અરજદારો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ સ્થળ ઉપર સીબીઆઈના કર્મચારીઓ-અધિકારીઓએ ધામા નાખી અને છેલ્લા ચાર મહિનાથી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે લોકોએ ફરિયાદ દાખલ કરી છે તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા. સીબીઆઈની ટીમ દ્વારા સુરેન્દ્રનગર કલેકટર કચેરીના બે કર્મચારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓ ઉપરાંત સુરેન્દ્રનગરમાંથી એક વચેટીયાની પણ અટકાયત કરવામાં આવી છે. (file photo)