નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે વાર્ષિક ટીમ રેન્કિંગ અપડેટ જાહેર કર્યું છે. આમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટમાં ટોચના સ્થાને છે, જ્યારે ભારતે સફેદ બોલના બંને ફોર્મેટ એટલે કે ODI અને T20માં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વર્તમાન ટેસ્ટ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ ગયા વર્ષે ઓવલ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નિર્ણાયક મેચમાં ભારત સામે 209 રનથી પ્રભાવશાળી જીત મેળવી હતી. તેઓ વાર્ષિક રેટિંગમાં ટોચનું સ્થાન મેળવવા માટે ભારતને પાછળ છોડી ગયા છે.
ટીમ ઈન્ડિયા બીજા સ્થાને આવી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના 124 પોઈન્ટ છે અને તે તેના નજીકના હરીફ અને ગયા વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના રનર-અપ ભારત (120) કરતા ચાર પોઈન્ટ આગળ છે. જ્યારે ત્રીજા ક્રમે ઈંગ્લેન્ડ છે. ટેસ્ટ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકા (103), ન્યુઝીલેન્ડ (96), પાકિસ્તાન (89), શ્રીલંકા (83), વેસ્ટ ઈન્ડિઝ (82) અને બાંગ્લાદેશ (53) પોતપોતાના સ્થાન પર છે.
વાર્ષિક રેન્કિંગ અપડેટ ફક્ત મે 2021 પછી ટીમોના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. આમાં હવે ઓસ્ટ્રેલિયામાં ભારતે જીતેલી શ્રેણીનો સમાવેશ થતો નથી. મે 2021 અને મે 2023 વચ્ચેના તમામ પરિણામોને 50 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે અને આગામી 12 મહિનાને 100 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે. જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીતનાર ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.
- ODI રેન્કિંગ
ભારતે ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે, પરંતુ ODI અને T20I માં તે આગળ છે. વનડેમાં ટીમ ઈન્ડિયા (122)એ બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયા (116) પર છ રેટિંગ પોઈન્ટ્સની લીડ મેળવી લીધી છે. ODI વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારવા છતાં, તે ટૂર્નામેન્ટમાં સતત 10 જીતે ટીમ ઇન્ડિયાને મદદ કરી છે. ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકા (112) છે, જે ઓસ્ટ્રેલિયાથી માત્ર ચાર રેટિંગ પોઈન્ટ પાછળ છે, જ્યારે પાકિસ્તાન (106) અને ન્યુઝીલેન્ડ (101) ટોચના પાંચમાં છે. સાતમા ક્રમાંકિત શ્રીલંકા (93) છઠ્ઠા ક્રમાંકિત ઈંગ્લેન્ડ (95)થી માત્ર બે રેટિંગ પોઈન્ટ પાછળ છે. આ ઉપરાંત બાંગ્લાદેશ (86), અફઘાનિસ્તાન (80) અને વેસ્ટ ઈન્ડિઝ (69)ની ટીમો ટોપ 10માં સામેલ છે.
- T20 રેન્કિંગ
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 રેન્કિંગમાં ભારત (264) ટોચ પર છે. જોકે, ભારત બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયા કરતાં માત્ર સાત રેટિંગ પોઈન્ટ આગળ છે. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને (257) અને ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને (252) છે. દક્ષિણ આફ્રિકા 250 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠાથી ચોથા સ્થાને પહોંચી ગયું છે અને હવે ઈંગ્લેન્ડથી માત્ર બે રેટિંગ પોઈન્ટ પાછળ છે. પાકિસ્તાન (247) સાતમા અને સ્કોટલેન્ડ (192) મોટી છલાંગ લગાવીને 12મા સ્થાને પહોંચી ગયું છે. સ્કોટલેન્ડે ઝિમ્બાબ્વે (191)ને પાછળ છોડીને ટોપ-12માં સ્થાન મેળવ્યું હતું.