મહેન્દ્રસિંહ ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેઝના નિશાનને લઈને ચર્ચાઓએ જોર પકડયું છે. વર્લ્ડ કપમાં બુધવારે સઉથેમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામેની ભારતની પહેલી મેચ દરમિયાન ધોનીના બલિદાન બેઝ સાથે વિકેટકીપિંગ જોવામાં આવ્યા હતા. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવા માટે જણાવ્યું હતું. પરંતુ ધોની પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવાનો ઈન્કાર કરી ચુક્યા છે.
બીજી તરફ ઈન્ડિયન આર્મી ધોનીના ગ્લવ્સ પર લગાવવામાં આવેલા બલિદાન બેઝ માનતી નથી. ઈન્ડિયન આર્મીના સૂત્રો પ્રમાણે, આ સ્પેશ્યલ ફોર્સિસનું પ્રતીક ચિન્હ છે. તે મરુન કલરનું હોય છે અને તેને હિંદીમાં લખવામાં આવે છે. તે હંમેશા છાતી પર પહેરવામાં આવે છે. ધોનીના ગ્લવ્સ પર નિશાન પેરા સ્પેશયલ ફોર્સિસનું પ્રતીક ચિન્હ છે.
આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સ પરથી આ નિશાન હટાવવા માટે જણાવ્યું હતું. તેના પછી બીસીસીઆઈ માહીના સમર્થનમાં ઉતર્યું છે. બીસીસીઆઈના સીઓએ ચીફ વિનોદ રાયે કહ્યુ છે કે અમે આઈસીસીને એમ. એસ. ધોનીને તેમના ગ્લવ્સ પર બલિદાન બેઝ પહેરવા માટેની મંજૂરી લેવા માટે પહેલા જ પત્ર લખી ચુક્યા છીએ.
બીસીસીઆઈ બાદ ખેલ મંત્રાલયે પણ ધોનીને ટેકો આપ્યો છે. ખેલ મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ છે કે ખેલ નિગમોના નામલામાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે. તે સ્વાયત્ત છે. પરંતુ જ્યારે મુદ્દો દેશની ભાવનાઓ સાથે જોડાયેલો છે, તો રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખવાનું હોય છે. હું બીસીસીઆઈ સાથે આઈસીસીમાં આ મામલાને ઉઠાવવાનો અનુરોધ કરવા ચાહુ છું.
આઈસીસી સૂત્રોનું કહેવું છે કે જો એમ. એસ. ધોની અને બીસીસીઆઈ આઈસીસીને એ સુનિશ્ચિત કરે કે બલિદાન બેઝમાં કોઈ રાજકીય, ધાર્મિક અથવા વંશીય સંદેશ નથી, તો આઈસીસી આ અનુરોધ પર વિચાર કરી શકે છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ક્રિકેટમાં તેમની સિદ્ધિઓના કારણે 2011માં પ્રાદેશિક સેનામાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલની રેન્ક આપી હતી. ધોની આ સમ્માન મેળવનારા કપિલ દેવ બાદ બીજા ભારતીય ક્રિકેટર છે. ધોનીને માનદ કમીશન આપવામાં આવ્યું છે, કારણ કે તે એક યુવા આઈકન છે અને તેઓ યુવાનોને સશસ્ત્ર દળોમાં સામેલ થવા માટે પ્રેરીત કરી શકે છે. ધોની એક પ્રશિક્ષિત પેરાટ્રુપર છે. તેમણે પેરા બેસિક કોર્સ કર્યો છે અને પેરાટ્રુપર વિંગ્સ પહેરે છે.
મહેન્દ્રસિંહ ધોનીએ ટેરીટોરિયલ આર્મીની 106મી પેરાશૂટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે પોતાની રેન્કને સાબિત કરી દેખાડી છે. ધોની ઓગસ્ટ-2015માં તાલીમબદ્ધ પેરાટ્રુપર બની ગયા હતા. આગ્રાની પેરાટ્રુપર્સ ટ્રેનિંગ સ્કૂલમાં ભારતીય વાયુસેનાના એએન-32 વિમાનમાંથી પાંચમી છલાંગ પુરી કર્યા બાદ તેમને પ્રતિષ્ઠિત પેરા વિંગ્સ પ્રતિક ચિન્હ લગાવવાની મંજૂરી મળી હતી. એટલે કે તેની સાથે ધોની આ બેઝનો ઉપયોગ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી ચુક્યા છે.
મહત્વપૂર્ણ છે કે ત્યારે ધોની 1250 ફૂટની ઊંચાઈ પરથી કૂદી ગયા હતા અને એક મિનિટથી પણ ઓછા સમયમાં માલપુરા ડ્રોપિંગ ઝોન પાસે સફળતાપૂર્વક ઉતર્યા હતા. નવેમ્બર – 2011માં ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટિનેન્ટ કર્નલની માનદ રેન્કથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યુ હતુ કે તે સેનામાં અધિકારી બનવા માંગતા હતા. પરંતુ કિસ્મતે તેમને ક્રિકેટર બનાવી દીધા હતા.