નવી દિલ્હીઃ ICC એ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. બેટ્સમેનોની રેન્કિંગમાં ભારતનો સ્ટાર સૂર્યકુમાર યાદવ પ્રથમ સ્થાન પર છે. તેણે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન આ રેન્કિંગ હાંસલ કર્યું હતું. ત્યારથી તે સતત સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. આ સિવાય શુભમન ગિલની T20 રેન્કિંગમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. તેણે ટી20 બેટ્સમેનોની રેન્કિંગમાં 43 સ્થાનની છલાંગ લગાવી છે. આ રેન્કિંગ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 સીરીઝ બાદ જાહેર કરવામાં આવી છે.
સૂર્યકુમારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં તેની ચાર ઇનિંગ્સમાં 166 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે ટોપ પર સારી લીડ જાળવી રાખી છે. તેનું રેટિંગ બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન કરતાં 96 પોઈન્ટ વધુ છે. સૂર્યાના 907 રેટિંગ પોઈન્ટ અને રિઝવાનના 811 રેટિંગ પોઈન્ટ છે. પાકિસ્તાનનો બાબર આઝમ 756 રેટિંગ પોઈન્ટ સાથે T20 બેટ્સમેનોમાં ત્રીજા સ્થાને છે. સાઉથ આફ્રિકાનો એડન માર્કરામ ચોથા સ્થાને અને રાયલી રુસો પાંચમા સ્થાને છે. શુભમન 43 સ્થાનની છલાંગ સાથે બેટ્સમેનોમાં 25માં સ્થાને પહોંચી ગયો છે. તેણે વિન્ડીઝ સામે ટી20 સિરીઝમાં 102 રન બનાવ્યા હતા. શુભમને વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ચોથી T20માં મેચ વિનિંગ 77 રનની ઇનિંગ રમી હતી.
વનડે રેન્કિંગમાં વધારે ફેરફાર થયો નથી. બેટ્સમેનોની યાદીમાં માત્ર શુભમન ગિલ ટોપ-5માં પ્રવેશ્યો છે. શુભમને બે સ્થાનના સુધારા સાથે ટોચના પાંચ વનડે બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે. વનડેમાં બાબર પ્રથમ સ્થાને, રાસી વાન ડેર ડુસેન બીજા સ્થાને, ફખર ઝમાન ત્રીજા સ્થાને અને ઇમામ-ઉલ-હક ચોથા સ્થાને છે. ટોચના પાંચ બેટ્સમેનમાંથી ત્રણ પાકિસ્તાનના છે. ટોપ-10માં ભારતના વિરાટ કોહલી નવમા સ્થાને છે. આ સિવાય વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓની T20 રેન્કિંગમાં પણ સારો સુધારો થયો છે.
વિન્ડીઝે છ વર્ષ બાદ ભારત સામે દ્વિપક્ષીય T20I શ્રેણી જીતી છે. પાંચ મેચોની શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 3-2થી હરાવ્યું હતું. વિન્ડીઝની જીતમાં ઘણા ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રાન્ડોન કિંગે પાંચમી T20માં શાનદાર અણનમ 85 રન બનાવ્યા હતા. તેની T20 રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો થયો છે અને તે બેટ્સમેનોમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 13મા સ્થાને પહોંચી ગયો છે.