ICC T20 વિશ્વકપઃ વેસ્ટ ઈન્ડિઝ સામે હાર્યા બાદ ન્યુઝીલેન્ડની સુપર-8માં પહોંચવાની આશા ધૂંધળી
નવી દિલ્હીઃ અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં હાલ આઈસીસી ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે. આ વિશ્વકપમાં અનેક ચોંકાવનારા પરિણામો જોવા મળ્યાં છે. દરમિયાન હવે આ વિશ્વકપના નેક્સ લેવલ સુપર-8માં ન્યૂઝીલેન્ડની ટીમનો પ્રવેશ મુશ્કેલ બન્યો છે. અફઘાનિસ્તાન સામેના પરાજય બાદ ન્યૂઝીલેન્ડની ટીમ વેસ્ટઈન્ડીઝ સામે હારી છે. આમ ન્યૂઝીલેન્ડ અત્યાર સુધીમાં લીગમાં રમેલી બંને મેચ હારી ચૂક્યું છે. જ્યારે વેસ્ટઈન્ડીઝ 3 મેચ જીતીને સુપર-8માં ક્વોલીફાઈ કરી ચુક્યું છે. જ્યારે અફઘાનિસ્તાન પણ બંને મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે બીજાક્રમે છે.
T20 વર્લ્ડ કપ 2024ની 26મી મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ન્યૂઝીલેન્ડને 13 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 39 બોલમાં અણનમ 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 136 રન જ બનાવી શકી હતી. આ જીત સાથે રોવમેન પોવેલની આગેવાની હેઠળની ટીમ સુપર-8માં પહોંચી ગઈ છે. બીજી તરફ ન્યુઝીલેન્ડની ટીમ સુપર-8ની રેસમાંથી લગભગ બહાર થઈ જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમને 14 જૂને યુગાન્ડા અને 17 જૂને પાપુઆ ન્યૂ ગિનીનો સામનો કરવાનો છે. આ બે મેચમાં વિજય પણ કિવી ટીમ માટે પૂરતો નથી. વેસ્ટ ઈન્ડિઝના ત્રણ મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ છે. આ સાથે જ અફઘાનિસ્તાને અત્યાર સુધી બેમાંથી બે જીત મેળવી છે. તેના ચાર અંક છે. અફઘાનિસ્તાને 14 જૂને પાપુઆ ન્યુ ગિની સામે ટકરાવાનું છે. અફઘાનિસ્તાનની ટીમ જો આ મેચ જીતશે અથવા વરસાદના કારણે મેચ ધોવાઇ જશે તો તે ક્વોલિફાય થશે. અફઘાનિસ્તાન પાપુઆ ન્યુ ગિની સામે મોટા માર્જિનથી હારી જશે તો જ ન્યૂઝીલેન્ડને તક મળશે. જો કે, આવું થવું લગભગ અશક્ય છે.
અફઘાનિસ્તાને તેની પ્રથમ મેચમાં યુગાન્ડાને 125 રને હરાવ્યું હતું જ્યારે બીજી મેચમાં તેણે કિવીને 84 રને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન પણ ક્વોલિફાય થશે તે નિશ્ચિત માનવામાં આવે છે. અફઘાનિસ્તાન જો પાપુઆ ન્યુ ગીનીને હરાવશે તો તેના છ પોઈન્ટ હશે, જ્યારે ન્યુઝીલેન્ડ બંને મેચ જીતે તો પણ માત્ર ચાર પોઈન્ટ મેળવી શકશે. આવી સ્થિતિમાં કિવી ટીમની સફર લગભગ પૂરી થઈ ગઈ છે. શેરફેન રધરફોર્ડને તેની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.