મુંબઈઃ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. ભારતે અંડર-19 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. એક સમયે ટીમે 32 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ કેપ્ટન ઉદય સહારન અને સચિન ધસે 171 રનની ભાગીદારી કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ભારતીય અંડર-19 ટીમ 9મી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે
સેમિફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 245 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 244 રન બનાવ્યા હતા જેમાં વિકેટકીપર લુઆન ડ્રાય પ્રિટોરિયસે 76 રન બનાવ્યા હતા. તેના સિવાય રિચર્ડે 64 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 7 બોલ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની અંડર-19 ટીમે આ મેચ 2 વિકેટથી જીતી લીધી હતી.
ભારતીય અંડર-19 ટીમ 2000માં પ્રથમ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ત્યારબાદ મોહમ્મદ કૈફની કેપ્ટનશીપમાં ટીમે શ્રીલંકા સામે જીત મેળવીને ટૂર્નામેન્ટ જીતી હતી. પરંતુ ત્યારબાદ 2006માં પાકિસ્તાન સામે ટાઈટલ મેચમાં હાર થઈ હતી. 2008માં ભારત વિરાટની કપ્તાનીમાં વિજેતા બન્યું હતું અને 2012માં ઉન્મુક્ત ચંદની કપ્તાનીમાં ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ભારત 2016થી સતત ફાઇનલમાં પહોંચતું રહ્યું છે. અત્યાર સુધી ટીમ 5 વખત ફાઇનલમાં જીતી છે જ્યારે 3 વખત હારનો સામનો કરવો પડ્યો છે.
આ વખતે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પાકિસ્તાન અથવા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. અંડર-19 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલ આ બંને ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંનેએ જોરદાર પ્રદર્શન કર્યું છે. બંને હજુ હાર્યા નથી. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વખત વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે પાકિસ્તાન બે વખત જીત્યું છે.