અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની આજની હાઈવોલ્ટેજ ક્રિકેટ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે 7 વિકેટે શાનદાર વિજય થયો છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેના જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં 192 રન બનાવી ભવ્ય જીત મેળવી છે. ભારત તરફથી રોહિત શર્મા-શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી હતી, તો બોલરોમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાએ પણ દમદાર પ્રદર્શન કરી 2-2 વિકેટ ઝડપી હતી.
વર્લ્ડ કપ-2023માં ભારતની પાકિસ્તાન સામે ભવ્ય જીત સાથે ધમાકેદાર આતશબાજી શરૂ થઈ ગઈ છે. શહેરભરમાં જશ્નનો માહોલ સર્જાયો છે. ચાહકો રસ્તા પર આવીને પણ ભવ્યાતિભવ્ય ઉજવણી કરી રહ્યા છે. હાલ દેશભરમાં ભારતની ઉજવણી શરૂ થઈ ગઈ છે. આજની જીત સાથે જ ભારતે પાકિસ્તાન સામે સતત 8મી જીત નોંધાવી છે, તો આ વર્લ્ડકપમાં સતત ત્રીજી જીત સાથે ટોપ પર આવી ગયું છે.
શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈપ્રોફાઈલ મેચ રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ભારતને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 43 ઓવરમાં પાંચમાં બોલે હારિસ રઉફને એલબીડબલ્યુ કર્યો હતો. આમ પાકિસ્તાનની 10મી વિકેટ રઉફની પડી હતી. જ્યારે શાહીન આફ્રિદી 10 બોલમાં 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ભારત તરફથી પાંચ બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ વિકેટ લીધી હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યાં હતા. જ્યારે મોહમ્મદ રિઝવાન 49 રન ઉપર આઉટ થયો હતો. ઈમામ ઉલ હકે 36, અબ્દુલ્લા શફીક 20 અને હસન અલીએ 12 રન બનાવ્યાં હતા. આ ઉપરાંત છ બેસ્ટમેન સસ્તામાં આઉટ થયાં હતા. સઉદ શકીલ છ રન, મોહમ્મદ નવાઝ ચાર રન, ઈફ્તિખાર ચાર, શાદાબ ખાન બે અને હારિસ રઉફ માત્ર બે રન બનાવીને આઉટ થયાં હતા.
192 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન શુભમન ગીલ માત્ર 16 બનાવીને આઉટ થયો હતો. બીમારીને કારણે ગીલે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચ ગુમાવી હતી. પાકિસ્તાનની મેચમાં પણ તેને સારી શરુઆતનો પ્રાયસ કર્યો હતો અને 11 બોલમાં જ 16 રન બનાવ્યા હતા. જો કે, મોટો સ્ટોર બનાવી શક્યો ન હતો. ભરત તરફથી ગીલ અને રોહિત શર્મા બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતર્યા હતા. ભારતીય ટીમનો 23 રનનો સ્કોર થયો ત્યારે શુભમન ગીલ આઉટ થયો હતો.