Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધિત આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRની મંજૂરી મળી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ લગભગ સમાપ્ત થઈ ગયો છે. હવે સંભવિત ત્રીજા વેવ સામે તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્ય વિભાગ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી આયુર્વેદિક ઈમ્યુરાઈઝ દવા બનાવી છે તેને આઈસીએમઆરની મંજુરી મળી ગઈ છે. આ દવાને ટૂંક સમયમાં બજારમાં લોકોને મળી રહે એ રીતે નજીવી કિંમતે મૂકવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા સંશોધિત દવાનું પરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું.  કોરોનાની પ્રથમ લહેર દરમિયાન સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટીન દર્દીઓ,પોલીસ, ડોકટર, પેરા મેડિકલ સ્ટાફના 2500 જેટલા લોકો પર સંમતિ સાથે દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમય જતાં દવામાં સુધારા-વધારા કરવામાં આવ્યા હતા અને આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝ તૈયાર કરવામાં આવી છે, જેનું યોગ્ય પરીક્ષણ કર્યા બાદ એના ઉપયોગ માટે ICMR તરફથી પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ICMR દ્વારા મંજૂરી મળતાં હવે દવા બજારમાં મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે પ્રથમ લહેર દરમિયાન જ લાઈફ સાયન્સ વિભાગ દ્વારા દવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. પ્રથમ લહેરની સાથે દવા માટે તૈયારી કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે. લાઈફ સાયન્સ વિભાગના પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આયુર્વેદિક દવા ઇમ્યુરાઇઝ તૈયાર કરી છે, જેને ICMRની મંજૂરી મળી છે. કોરોના સમયે પોલીસ, ડોકટર, મેડિકલ સ્ટાફ અને ધન્વંતરિ હોસ્પિટલના સ્ટાફ સહિત અનેક લોકો પર દવાનો સફળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો હતો.

ક્લિનિકલ ટ્રાયલ અને ડેટા પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુદરતી સંશોધન કરીને દવા બનાવવામાં આવી છે. હ્યુમન એથિકલ અને બાયોલોજિકલ એથિકલ કમિટીમાં દવાનું સ્ક્રીનિંગ કરીને આગળની પ્રકિયા કરવામાં આવી છે. આ દવા સામાન્ય દવાની જેમ જ હશે, એને કોરોના સંક્રમિત વ્યક્તિએ દિવસમાં 3 વાર લેવાની રહેશે. દવાને કારણે વ્યક્તિની ઇમ્યુનિટી વધશે. આયુર્વેદિક દવા હોવાને કારણે કોઈ આડઅસર પણ નથી. દવા પરની બાકીની પ્રકિયા ટૂંક જ સમયમાં પૂર્ણ કરવાની આવશે અને એ બજારમાં સરળતાથી મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવશે. લોકોને આ દવા ખૂબ નજીવી કિંમતે મળી રહેશે.