Site icon Revoi.in

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનો નહીં, જનતાનો અવાજ સાંભળશે, રાહુલ ગાંધી

Social Share

અમદાવાદઃ દાહોદ ખાતે હજારોની સંખ્યામાં ઉમેટલા આદિવાસી સમાજને ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’માં સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. આજે દેશમાં બે ભારત બની રહ્યાં છે, એક અમીરો અને બીજુ આમ જનતાનું છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું છે. દેશમાં બે ભારતની જરૂર નથી લોકોને એવા ભારતની જરૂર છે કે જેમાં સૌને સમાન હક્ક અને સમાન સુવિધા મળે. આદિવાસીઓને શિક્ષણ, રોજગાર, આરોગ્ય સહિતની સુવિધાઓ ભાજપનાં શાસનમાં મળી નથી. કોંગ્રેસ પક્ષ નાગરિકોનાં અવાજને આંદોલનના માધ્યમથી બહાર કાઢવા માંગીએ છીએ. કોંગ્રેસ આ અવાજને એટલો મજબૂત કરશે કે બેહરી ભાજપ સરકારને પણ સંભળાય.  કોંગ્રેસની સરકારમાં જળ, જંગલ જમીન માટે કાયદો, મનરેગાનો કાયદો, સહિતનાં હક્ક અને અધિકાર આપતા કાયદો દ્વારા આદિવાસી સમાજને સશક્ત બનાવ્યો હતો. ભાજપ સરકારની અણઘડ નીતિ અને જીએસટીએ ગરીબોને નુકસાન અને અમીરોને ફાયદો કરાવ્યો છે.

આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધન કરતા  રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનું નહીં જનતાનો અવાજ સરકાર સાંભળશે. આખા વિશ્વમાં ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આંદોલન કરવા માટે પણ પરમિશનની જરૂર છે. કોંગ્રેસ પક્ષ દ્વારા છત્તીસગઢની જેમ ગુજરાતમાં પણ ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે. ભાજપ સરકાર માત્ર ઢાલા વચન અને વાતો કરીએ આદિવાસી નાગરિકોને છેતરી રહી છે. રાહુલ ગાંધીજીનાં બોલાવેલા “જય જોહર”નાં નારાને વિશાળ જન મેદનીએ  બે હાથ ઊંચા કરી આવકાર આપ્યો હતો.

આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધન કરતા ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, આ રેલી નથી સત્યાગ્રહની શરૂઆત છે, કોંગ્રેસ 125 વિધાનસભાની બેઠક જીતશે. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે, જેમાં આદિવાસી પત્રમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ એક્ટ 2019 રદ કરવા, કોંગ્રેસ સરકાર દ્વારા 1996માં લાવવામાં આવેલો ભૂરિયા કમિટીના PESA કાયદાનો સંપૂર્ણ અમલ કરવા, સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલોને બંધ કરવા કે ખાનગીકરણ તાત્કાલિક અટકાવવા તેમજ એમાં સુવિધાઓ વધારવા અને દરેક વ્યક્તિને મફત શિક્ષણ અને સારવાર પૂરી પાડવા કોંગ્રેસ લડત આપશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, તાપી-પાર લિંક પ્રોજેક્ટ અને વેદાંતા સહિત જુદા જુદા પ્રોજેક્ટ લાવી આદિવાસી સમાજની જળ, જંગલ અને જમીન છીનવવાનું કાવતરું ભાજપ સરકાર કરી રહી છે, કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરવામાં આવશે આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ લડત આપી રહ્યો છે.

વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશના અગ્રણીઓ કાંતીલાલ ભૂરીયા, પરેશ ધાનાણી, ડૉ. તુષાર ચૌધરી, નારણભાઈ રાઠવા, રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ, વિરેન્દ્રસિંઘ રાઠોડ, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણીએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.