Site icon Revoi.in

સ્મશાનગૃહના કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો તેમના વારસદારને 25 લાખની સહાય અપાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને આજે મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં સ્મશાનગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે,સ્મશાનગૃહમાં ફરજ બજાવતા કર્મચારીનું કોરોનાને લીધે અવસાન થાય તો તેના વારસદારને રૂપિયા 25 લાખની સહાય અપાશે. બેઠકમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેમાં હવેથી રાજ્યના મધ્યમવર્ગના પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં માં કાર્ડ અને વાત્સલ્યમ કાર્ડનો ઉપયોગ કરી શકશે. 50 હજાર સુધીનો સારવાર ખર્ચ મળવા પાત્ર થશે. કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. મુખ્યમંત્રીએ સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે