Site icon Revoi.in

ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો, 10 લાખ સરકારી નોકરી, બેકારોને 3 હજારનું ભથ્થુ અપાશે

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્ર પર ફોકસ વધારી રહી છે. આપ’ના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ પખવાડિયામાં બીજીવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. અને આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથમાં સભાને સંબોધી હતી. તેમણે જાહેર સભામાં ગુજરાતના યુવાઓને 10 લાખ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યુ હતું. ઉપરાંત જ્યાં સુધી યુવાઓને રોજગારી નહીં આપે ત્યાં સુધી રૂ. 3 હજારની માસિક રકમ બેંક ખાતામાં આપીશું એવું વચન આપ્યું હતુ.  આજના ભાષણમાં કેજરીવાલે આક્રમકતા સાથે સહાનુભૂતિ મેળવવા અનેક મુદાઓને લઈ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને આડેહાથે લીધી હતી.

આમ આદમી પાર્ટીના વડા કેજરિવાલે સોમનાથમાં જનસભાને સંબોધતા જણાવ્યું હતું. કે, ગુજરાતમાં તાજેતરમાં લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની મુલાકાત જઈને તેમને હુંફ આપવાનું સૌજન્ય પણ  ગુજરાતના મુખ્યમંત્રીએ દાખવ્યું નથી, જે ઘણું બધું કહી જાય છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનો નશાનો ધંધો છે. ત્યારે જે લોકો પોતાના બાળકોને ઝેરી શરાબ પીવડાવવા માંગે છે તે ભાજપને મત આપજો અને જે લોકોની સારી સુવિધા, રોજગાર જોઈએ છે તે અમને (આપ પાર્ટીને) મત આપજો. આજે હું સોમનાથ સાંનિધ્યે રોજગાર મુદે ગેરન્ટી આપવા આવ્યો છું. ગુજરાતના દરેક ભાઈ, બહેનને કહું છું કે, હવે આપઘાત કરવાની જરૂર નથી હવે તમારો મોટો ભાઈ આવી ગયો છે.

સોમનાથમાં યોજાયેલી સભામાં પોતાના પ્રવચનની શરૂઆતમાં ઝેરી દારૂ પીવાથી 50થી વધુ આપણાં ભાઈઓએ જાન ગુમાવી પડી છે એમ કહી તેમની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યારબાદ જય સોમનાથના જયઘોષ સાથે અરવિંદ કેજરીવાલે સ્પીચની શરૂઆત કરતા કહ્યું હતું કે, લઠ્ઠાકાંડમાં  મૃત્યુ પામેલા લોકોની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી ગયા નથી. ગુજરાતમાં કરોડો રૂપિયાનો નશાનો ધંધો છે. સરકારની નિષ્ક્રિયતાને લીધે લઠ્ઠાકાંડ સર્જાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે હું કેજરીવાલ સોમનાથ સાંનિધ્યેથી પાંચ ગેરન્ટી આપું છું. જેમાં રાજ્યના દરેક યુવકને રોજગારી આપવામાં આવશે.  જ્યાં સુધી રોજગારી નહીં મળે ત્યાં સુધી દરેક બેરોજગારને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપીશ., 10 લાખ સરકારી નોકરીઓ બહાર પાડીશું., સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટનાને અટકાવવા માટે કાયદો લાવીશું, સહકારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને લાગવગથી નોકરી નહીં દેવા દઈએ તેમાં પારદર્શકતા લાવીશું.

કેજરીવાલે ભાજપના નેતાઓ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, હું વીજળી, શિક્ષણ ફ્રીમાં આપું છું તો મફતમાં રેવડી વેચવા આવ્યો તેવું કહે છે. હું જનતાને ફ્રીમાં રેવડી વેચું છું જ્યારે તેઓ તેમના મિત્રોને ફ્રીમાં રેવડી આપે છે. પેપર લીક મુદ્દે પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે – પેપર લીક ના થાય તે માટે આપ દ્વારા ગુજરાતમાં કાયદો બનાવવામાં આવશે. પેપર ના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે. સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે, જે લાયક હશે તેને જ નોકરી આપીશું.