Site icon Revoi.in

વચનેષુ કિમ દરિદ્રમ, ગુજરાતમાં આપ’ની સરકાર બનશે તો 300 યુનિટ મફતમાં વીજળીઃ કેજરિવાલ

Social Share

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. આમ આદમી પાર્ટી પણ મતદારોને રિઝવવા ભરપુર પ્રયાસ કરી રહી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલ સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બને એવા પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન કેજરિવાલે જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો તમામ પરિવારોને 300 યુનિટ મફતમાં વીજળી આપીશું.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. અને પ્રજાને વચનો આપવામાં પણ પાછીપાની કરાતી નથી. પંજાબ અને દિલ્હીમાં મફત વીજળી આપવાનું વચન આપીને સત્તા પર આવેલી આપ’ દ્વારા ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી મફતમાં આપવાનું વચન આપ્યું છે. કેજરીવાલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતાને 300 યુનિટની વીજળી મફત આપશે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે.

તેમણે જણાવ્યું હતું કે જે રીતે અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત આપી રહ્યા છે એવી જ રીતે ગુજરાતમાં પણ આપીશું. આ અમારી ગુજરાતને પહેલી ગેરંટી છે. સરકાર બનવાના ત્રણ મહિના બાદ તરત જ અમલમાં મુકાશે. અમારી બીજી એ ગેરંટી છે કે 24 કલાક વીજળી મળશે. ગુજરાતમાં જ્યાં વીજળીકાપ છે ત્યાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારે 24 કલાક વીજળી આપવી અને એ પણ ફ્રીમાં આપવી આ માત્ર કુદરતે મને જ શીખવ્યું છે. આ કોઈને આવડતું નથી, કોઈ રાષ્ટ્રીય પક્ષને પણ નથી આવડતું, પરંતુ આ મને આવડે છે. અમારી સરકારે દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. અમે પ્રામાણિક છીએ અને અમે માત્ર સાચી વાત કહીએ છીએ. ખેડૂતો માટે વીજળીનું અમે અલગથી વિચારી રહ્યા છે. આ ખૂબ મોટો મુદ્દો છે, એને લઈને આગામી દિવસોમાં ફરીથી હું ગુજરાતમાં આવીશ અને આ મુદ્દે વાત કરીશ. દિલ્હીમાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓને મફતમાં વીજળી ન જોઈતી હોય તો લેખિતમાં આપી દે, એટલે તેમને મફતમાં વીજળી ન આપીએ,  મફતનો વિરોધ કરીને મફતમાં વીજળી વાપરી રહ્યા છે.

કેજરિવાલે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં જે દારૂબંધી છે એને યથાવત્ રાખવામાં આવશે, પરંતુ મજાની વાત એ છે કે એને યોગ્ય રીતે પાલન કરાવવામાં આવશે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ લોકોએ બૂમાબૂમ કરીને કહ્યું કે ગુજરાતમાં દારૂ વેચાય છે. દારૂબંધી હોવા છતાં પણ ગેરકાયદે રીતે વેચાઈ રહ્યો છે, એના પૈસા કોની પાસે જાય છે?