કોરોનાનું સંક્રમણ યથાવત રહ્યું તો ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં રોજ 200થી 300 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 15થી 19 દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે. હાલ કોરોના પરિસ્થિતિ પિક પોઇન્ટ હોવાથી સરકાર અને તંત્ર પણ ચિંતામાં મુકાઇ ગયાં છે અને કોરોનાવાયરસની ચેઇન તોડવા મહેનત કરી રહ્યા છે. ત્યારે આ જ પરિસ્થિતિ રહેશે તો શાળાઓ અને યુનિવર્સિટીઓની ફિઝિકલ પરીક્ષા લઇ શકાશે કે કેમ તે શંકા છે. એટલે કે કોરોના સંક્રમણ અટકશે નહીં તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો સમય પણ પાછળ ઠેલાય તો નવાઇ નહિ. હાલ તો ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અથવા આગલી એકમ કસોટી આધારે પરિણામ આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગત વર્ષથી શાળા કોલેજોમાં શિક્ષણ કાર્ય બંધ છે. દિવાળી બાદ કોરોનાના કેસોમાં ઘટાડો થતા શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થશે કેમ લાગતુ હતું ઘણી શાળાઓએ તો શિક્ષણ કાર્ય શરૂ પણ કરી દીધુ હતુ.પરંતુ વર્ષ દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓને ઘેરબેઠા ઓનલાઈન શિક્ષણ મેળવ્યુ હતું. હવે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવે પછી આ જ સ્થિતિ રહી તો શાળા કોલેજોની પરીક્ષા કેવી રીતે લેવી તે પ્રશ્ન સરકારને પણ સતાવી રહ્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર સાથે ધોરણ 1થી 8 અને 9થી 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે લેવી એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સરકાર તરફથી આ સમયે નિર્ણય લેવો અયોગ્ય હોવાનું જણાવ્યું હતું, પરંતુ 15 દિવસ બાદ પરિસ્થિતિ મુજબ નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હાલની પરિસ્થિતિને જોતાં કોઈપણ શાળા કે કોઈપણ વાલીઓ વિદ્યાર્થીઓની ફિઝિકલ ઓફલાઇન પરીક્ષા માટે સહમત ન હોવાનું સામે આવી રહ્યું છે. સરકાર દ્વારા 9થી 12ની પરીક્ષા સમય અંગે જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અથવા આગલી એકમ કસોટી આધારે પરિણામ આપવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. અગાઉ સરકાર દ્વારા એકમ કસોટી લેવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડી પરીક્ષા લેવામાં આવી હતી. હાલ કોરોના સંક્રમણ વધતાં પરિસ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફિઝિકલ પરીક્ષા લેવામાં આવે એવો કોઇ અંદાજ જોવા નથી મળી રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓનાં આરોગ્ય અને શિક્ષણને ધ્યાનમાં રાખી પાછલી એકમ કસોટીનાં પરિણામ પરથી વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવે અથવા તો ફરી એક વખત પ્રશ્નપત્ર ઘરે મોકલી પરીક્ષા લેવામાં આવે એવી શક્યતા સેવાઇ રહી છે.