ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત નહીં કરાય તો શૈક્ષિક સંઘ આંદોલન કરશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંધવારી ભથ્થુ આપવામાં આવતું હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જાહેર કરે ત્યાર બાદ મહિનામાં જ ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હતી. આ સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે છે. પરંતુ કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે સમયાંતરે બે વખત મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું હોવા છતાં ગુજરાત સરકારે તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ જાહેર કર્યું નથી. આથી ગુજરાત સરકારના કર્મચારીઓમાં સરકાર સામે નારાજગી ઊભી થઈ છે. ત્યારે ગુજરાત શૈક્ષિક સંધે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જો શિક્ષકો માટે સત્વરે મોંધવારી ભથ્થાની જાહેરાત કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. શિક્ષકોને મળતા મોંઘવારીના ભથ્થામાં 11 મહિનાથી બાકી છે. 6 મહિનાના 4 ટકા અને બીજા 6 મહિનાના 4 ટકા એમ કુલ 8 ટકા મોંઘવારી ભથ્થા ચૂકવવાનું બાકી છે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરવામાં આવી છે. કે, શિક્ષકો અને કર્મચારીઓના સમર્થનથી બહુમતી ધરાવતી સરકાર બની છે. કોરોના કાળમાં પ્રતિ 6 મહિને મળતાં ત્રણ મોંઘવારી ભથ્થા 18 મહિના સુધી જતા કર્યા છે તથા 1 મહિનાનો પગાર પણ કોરોના સહાયમાં આપ્યો છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં નાકાબંધી, સ્મશાન પર લાકડાં વિતરણ, કોરોના સર્વે, હોસ્પિટલ પર નોંધણી, અનાજ વિતરણ અને અન્ય પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી તે પણ કરી હતી. આ કામગીરી કર્યા છતાં શિક્ષકોને મળવાપાત્ર 8 ટકા મોંઘવારી ભથ્થા ચૂકવાતું નથી. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તે રીતે 11 મહિનામાં ચાર વખત રજૂઆત કરી છતાં કેન્દ્રના ધોરણે જુલાઈ 2022થી 4 ટકા અને જાન્યુઆરી 2023થી 4 ટકા મોંઘવારી ભથ્થા એમ કુલ 8 ટકા ભથ્થા ચૂકવવા કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ 26 સપ્ટેમ્બર 2022,31 જાન્યુઆરી 2023,23 માર્ચ 2023 અનવ 3 એપ્રિલ 2023એ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.
શૈક્ષિક સંઘના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ખૂબ જ સમૃદ્ધ તેમજ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્તુત કરવાના આવ્યું છે, પરંતુ સમયસર કેન્દ્રના ધોરણ મુજબ મોંઘવારી ભથ્થું ન ચૂકવતાં સમગ્ર ગુજરાતના શિક્ષક અને કર્મચારીઓમાં પણ ચર્ચા શરુ થઈ છે. અસહ્ય મોંઘવારી શિક્ષકોને પણ નડે છે. આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.