1. Home
  2. ગુજરાતી
  3. જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ
જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ

જો ખેડૂતો રાસાયણિક ખેતી નહીં છોડે તો આવનારી પેઢી માટે કંઈ નહીં બચે: રાજ્યપાલ

0
Social Share

ગાંધીનગરઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી એ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વિકુવા ખાતે ખેડુત સતીષભાઈ રઘુવીરભાઈ ભક્તના ખેતરે પ્રકૃતિના ખોળે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી માટે ખાટલા – પરિષદ યોજી રાજ્યપાલએ ૧૫૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કરી પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓ અંગે જરૂરી માર્ગદશન પુરું પાડ્યું હતું. આ તબક્કે, રાજ્યપાલએ શ્રી પ્રાકૃતિક કૃષિ નિદર્શન – વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ પેદાશો અને ખેડુતની પૃચ્છા કરી હતી. આ પ્રસંગે ખેડૂતો સાથેની વાતચીતમાં રાજ્યપાલએ જણાવ્યું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી જે પાકોનું ઉત્પાદન થાય છે, એ માનવીના શરીર માટે ખુબ જ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, રસાયણિક ખેતીના કારણે જમીન બંજર થઈ રહી છે, પાણી દૂષિત થઈ રહ્યું છે અને મિત્ર જીવો વિલુપ્ત થઈ રહ્યા છે. જો ખેડૂતો રસાયણિક ખેતી નહીં છોડે તો, આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે. આજકાલ કેન્સર, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ ઘરે-ઘરે છે. વૈજ્ઞાનિકોનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે, મા ના દૂધમાં પણ યુરિયાની માત્રા જણાઈ છે. આ સમસ્યાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી આવનારા સમયમા વરદાનરૂપ સાબિત થશે.

રાજ્યપાલએ ઉમેર્યું કેપ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ છે. જેમાં જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા (ભેજ) અને એક સાથે અનેક પાક પદ્ધતિ. આનો યોગ્ય અને વ્યવસ્થિત, સંકલિત ઉપયોગ પર્યાવરણને બચાવવા માટે ઉપયોગી નીવડશે. રાજ્યપાલએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવા માટે સૌ પ્રથમ ખેડુતોએ પોતાની ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો જોઈએ. દેશી ગાયના ગૌમૂત્ર, ગોબરમાંથી તૈયાર કરેલા જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ. ત્યારબાદ વાવેતર વખતે પાકના બિયારણને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું જોઈએ. પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપુર્ણ ખેતી કરવાથી લાંબા ગાળે સારા પરિણામો મળે છે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહીવત ઉત્પાદન ખર્ચ આવે છે અને બજારમાં વધારે ભાવ મળે છે. તેમજ પાણીની બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે. 

રાજ્યપાલએ ઉમેર્યું કેજેમ જેમ આપણી ખેતી તેજસ્વી અને સમૃદ્ધ થશે તેમ તેમ આપણો દેશ પ્રગતિ કરશે. પ્રાકૃતિક ખેતી એ આર્થિક સફળતાનું સાધન છે. પૃથ્વી માતાની સેવા કરવા માટે આ એક ઉત્તમ માધ્યમ પણ છે. આજે જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ખેતી માટે જરૂરી સંસાધનો તેને લગતી પેદાશોમાંથી એકત્ર કરો છો, ગાય અને પશુધન દ્વારા જીવામૃત તૈયાર કરો છો, આનાથી ખેતી પાછળ થતો ખર્ચ ઓછો થાય છે. પશુધન આવકના વધારાના સ્ત્રોત પણ ખોલે છે. તેવી જ રીતે, જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે ધરતી માતાની સેવા કરો છો. જ્યારે તમે પ્રાકૃતિક ખેતી કરો છો, ત્યારે તમે પ્રકૃતિ અને પર્યાવરણની પણ સેવા કરો છો. જ્યારે તમે કુદરતી ખેતીમાં જોડાઓ છો, ત્યારે તમને સ્વાભાવિક રીતે જ માતા ગાયની સેવા કરવાનું સૌભાગ્ય મળે છે અને જીવોની સેવા કરવાના આશીર્વાદ પણ મળે છે. આથી આપણું જીવન, આપણું આરોગ્ય, આપણો સમાજ બધું જ આપણી કૃષિ વ્યવસ્થા પર આધારિત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નીતિઓનો ઉલ્લેખ કરતાં આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી દેશની પ્રગતિ માટે પૂર્ણતઃ સમર્પિત છે અને ભારતીય સંસ્કૃતિ, યુવા પેઢીમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોના શિક્ષણ સાથે વિકસિત ભારતનું નિર્માણ કરવા માંગે છે. આ સંકલ્પ અંતર્ગત તે દેશી ગાય પર આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ખાટલા પરિષદમાં આવેલા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી જાળવી રાખવા સંકલ્પબદ્ધ બની વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે  તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા અપીલ કરી તેમણે અનુરોધ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code