Site icon Revoi.in

હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં આવીને વાત કરવી જોઈએઃ કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપે તેના પાર્ટી ઠોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પ્રાગજી પટેલ અને કમા રાઠોડને ફરીવાર કેસરી ખેસ પહેરીવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસને રામ રામ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. હાર્દિકના નિવેદન સામે કોંગ્રેસના પ્રભારીએ નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે હાર્દિકને કાઈ પ્રશ્ન હોય કે નારાજગી તેમણે પાર્ટીના ફોરમમાં આવીને પોતાની વાત રજુ કરવી જોઈએ,

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે પાટીદાર નેતા જે 26 વર્ષની વયે GPCCના સૌથી યુવા કાર્યકારી પ્રમુખ બન્યા હતા, તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત કોંગ્રેસમાં પોતાને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હોય તેવું અનુભવી રહ્યા છે. કોંગ્રેસના રાજ્ય એકમની “કાર્યશૈલી” પર નારાજગી વ્યક્ત કરતા, હાર્દિક પટેલે દાવો કર્યો હતો કે નેતૃત્વ તેમની કુશળતાનો ઉપયોગ કરવા તૈયાર નથી.

હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે તે મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી પરંતુ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી.

 કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાર્ટીમાં પોતાને સાઈડ લાઈન કરાયા અંગે અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અંગે કરેલી વાતનો કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્માએ જવાબ આપ્યો હતો. ડો. શર્માએ જણાવ્યું હતું કે, કોઈપણ નેતાઓએ નિવેદન આપતા પહેલા વિચાર કરવો જોઈએ. તેમણે કહ્યું કે, પાર્ટીથી મોટું કોઈ નથી. કોંગ્રેસ પ્રભારીએ કહ્યું કે, હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટી ફોરમમાં આવીને વાત કરે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, હાર્દિક પટેલ અંગે કોંગ્રેસ પ્રભારીએ પોતાનો રિપોર્ટ રાહુલ ગાંધીને સોંપ્યો છે. આમ, હવે આ મામલો છેક કોંગ્રેસના હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે.

હાર્દિકની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે GPCC પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, હતું કે ”પાર્ટી નરેશ પટેલનું સ્વાગત કરવા તૈયાર છે. ભૂતકાળમાં પણ અમે તેમની સાથે ચર્ચા કરી હતી. પરંતુ પાર્ટીમાં જોડાવાનો અંતિમ નિર્ણય તેમની પાસે છે.” ઠાકોરે એમ પણ કહ્યું હતું કે, તેઓ હાર્દિકને મળીને પાર્ટી સાથેની તેમની નારાજગીને સમજવાનો પ્રયાસ કરશે અને નારાજગીને દૂર કરવામાં આવશે.