ધ્રાંગધ્રાના 18 ગામોને નર્મદાનું પાણી નહીં અપાય તો વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરાશે
સુરેન્દ્રનગરઃ ઝિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકોને પીવાનું પાણી ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. પાણી ન મળતુ હોવાથી રોષે ભરાયેલા લોકોએ અને ગામના સરપંચોએ રામપરા ગામમાં એક બેઠક યોજી હતી. જેમાં તમામ 18 ગામના લોકોએ વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામોના લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેકવાર સત્તાધિશોને રજુઆત કરવા છતાં પ્રશ્ન હલ થતો નથી. આથી ગ્રામજનોએ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. નેતાઓ દર ચૂંટણીમાં પ્રજાને સુવિધાઓના વચન આપતા હોય છે અને જેના આધારે નેતાઓ ચૂંટણી પણ જીતતા હોય છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામના લોકોએ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મત નહીં આપવાનું મન બનાવી લીધુ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધ્રાંગધ્રા તાલુકાના 18 ગામો છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી ન મળતુ હોવાથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામ લોકોનો આરોપ છે કે હાલ તેમને જે પાણી મળી રહ્યું છે તે ખારુ છે. જેના કારણે ખેતરમાં તેઓ પાક નથી લઈ શકતા અને ગુજરાન ચલાવવા માટે અન્ય જિલ્લાઓમાં નોકરી માટે સ્થળાંતર કરવું પડી રહ્યું છે. જેથી લોકોએ નર્મદા કેનાલમાં પાણી આપવા માગ કરી છે. પીવાના પાણીની સમસ્યાથી કંટાળેલા લીયા, કાત્રોડી, રાવળીયાવદર, રાયગઢ, વેળાવદર, રૂપાવટી, ખોડુ, નારીચણા, ગુજરવદી સહિતના ગામોના સરપંચોએ એક બેઠક યોજી હતી. જેમાં તમામ ગામના સરપંચોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને નર્મદાનું પાણી નહીં મળે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.