અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલમાં ફાયર સેફટીના અભાવને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ જે શાળાઓમાં ફાયર સેફ્ટી નહીં તેની માન્યતા રદ કરાશે તેવો નિર્દેશ કર્યો હતો. તેમજ આ મુદ્દે હરિયાણા મોડલ અપનાવવા માટે સરકારને તાકીદ કરી હતી.
કેસની હકીકત અનુસાર અમદાવાદની જાણીતી કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં આઠ દર્દીઓના મોત થયાં હતા. આગના બનાવ મુદ્દે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. આ અરજીની સુરનાવણીમાં રાજ્યની લગભગ 5199 સ્કૂલોમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનું સામે આવતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સરકારને ઉધડો કાઢ્યો હતો. તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે, બાળકો, શિક્ષકો અને સ્ટાફ માટે ફાયરની સુવિધા અત્યંત જરૂરી છે. જે શાળાઓમાં ફાયર સેફટી નહીં હોય તેની માન્યતા હવે ગુજરાત હાઇકોર્ટ જ રદ્દ કરશે. હાઇકોર્ટના આ કડક વલણથી ફાયર સેફટી વગર શાળાઓ ચલાવનારા શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
હાઈકોર્ટે રાજ્યના સાત કોર્પોરેશનને પણ નોટિસ પાઠવીને જે તે વિસ્તારની બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટી મુદ્દે જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, ફાયર સેફ્ટીના નિયમોનું પાલન જરૂરી છે.