પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશેઃ કોંગ્રેસ નેતા રાશિદ અલ્વી
નવી દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની પરંપરાગત અમેઠી બેઠક ઉપર જ ચૂંટણી લડશે તેવી ઉત્તરપ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુકની જાહેરાત બાદ હવે કોંગ્રેસના અન્ય એક નેતાએ ચોંકાવનારા દાવો કર્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડશે તો પીએમ મોદીને પરત ગુજરાત જવું પડશે.
કોંગ્રેસના સિનિયર નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની ડિપોઝીટ જપ્ત થઈ જશે. જેથી હવે સ્મૃતિ ઈરાની લોકસભાની બેઠક બદલે તેવી આશા છે. જેથી ભાજપના નેતાઓને વિનંતી કરી છ કે, સ્મૃતિ ઈરાનીને અમેઠીની બેઠક છોડવા ના દેતા. તેમને કહો કે, તમે કેન્દ્રીય મંત્રી અને સાંસદ પણ છો જેથી તમારે અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ.
છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે, કોંગ્રેસના મહિલા નેતા પ્રિયંકા ગાંધી આગામી લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક ઉપરથી પીએમ નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડે તેવી શકયતા છે. દરમિયાન કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ જણાવ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડશે તો નરેન્દ્ર મોદીને પરત ગુજરાત જવુ પડશે. જેથી મને એવુ લાગે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડે.