રાજકોટઃ ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે, અને માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જો કે રાજકોટ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અપેક્ષા મુજબની મેઘમહેર થઈ નથી જેના પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ 32 જેટલા ગામોમાં ખાનગી ટેન્કરો મારફત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો વરસાદ ખેચાશે તો પીવાના પાણીની સ્થિતિ વિકટ બનશે. ચાલુ માસના અંત સુધીમાં જો મેઘમહેર નહીં થાય તો જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીના ટેન્કરો શરુ કરવાની નોબત આવી શકે તેમ છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. શનિવારે 54 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનો છાંટો ય પડ્યો નથી, જેમાં રાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં પીવાના પાણી સમસ્યા ઊભી થઈ છે. હાલ 32 ગામોને ટેન્કરો દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પરંતુ વરસાદ ખેચાશે તો વધુ ગામોને પીવાનું પાણી પહોંચતુ કરવા માટે ટેન્કરો દોડાવવા પડશે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લાના કેટલાક ગામોમાં પાણીના ટેન્કરો શરુ કરવાની માંગણીની દરખાસ્તો હજુ વહીવટી તંત્ર પાસે પેન્ડીંગ પડી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસાનો પ્રારંભ થવા છતાં રાજકોટ જિલ્લાના મોટાભાગનાં ગામોમાં અપેક્ષા મુજબનો વરસાદ નહીં થતાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ 32 ગામોમાં 35 જેટલા ખાનગી ટેન્કરો મારફતે પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં 5-5 હજાર લીટર પાણીના ટેન્કરોના 141 અને 10-10 હજાર લીટર પાણીના ટેન્કરોનાં 60 ફેરા કરી આ જિલ્લાનાં રામપર બેટી, બામણબોર સહિતના 32 જેટલા ગામોને ટેન્કરો મારફત પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ગ્રામજનો મેઘરાજાની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છે ત્યારે જૂનના અંતિમ સપ્તાહ સુધીમાં જો વરસાદ ન આવે તો જિલ્લાના અનેક ગામોમાં ટેન્કરો શરુ કરવાની ફરજ વહીવટી તંત્રને પડશે.