અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે ધારણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરાયા બાદ હવે ધોરણ 10ના રિપિટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માગણી કરી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ તરફથી રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો છે. અંદાજે 3.50 લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ તેવી માંગ રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ નીતિ એક વર્ગના તમામ બાળકો માટે એકસમાન હોવી જોઈએ. સરકારે અંદાજે 10 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું તો રીપીટર બાળકોને પણ પ્રમોશન આપવું જ જોઈએ. રીપીટર વિદ્યાર્થીઓ જુદા જુદા કારણોસર પરીક્ષા આપતા હોય છે. ગુજરાતમાં બે પ્રકારની શૈક્ષણિક સંસ્થા છે, જેમાં નેશનલ ઓપન સ્કૂલ અને ગુજરાત ઓપન સ્ફુલ. જે રીપીટર બાળકોને માસ પ્રમોશન મળે એવા બાળકોની માર્કશીટમાં રિમાર્ક લખી શકાય કે આપને ધોરણ 11માં પ્રવેશ નહીં મળે અને એવા બાળકો ગુજરાત ઓપન સ્ફુલ કે નેશનલ ઓપન સ્કૂલમાં અભ્યાસ કરી આગળનો અભ્યાસ ચાલુ રાખી શકશે.
રાજ્ય સરકારે 10 લાખ બાળકોને માસ પ્રમોશન આપ્યું છે ત્યારે આપણી પાસે હાલ 5.50 લાખ બાળકોને જ ધોરણ 11માં પ્રવેશ આપી શકાય એવી વ્યવસ્થા છે. એવામાં હાલ જે શાળામાંથી વિદ્યાર્થી પાસ થયા છે, એ જ શાળામાં ધોરણ 11માં તેને પ્રવેશ મળે એવી નીતિ બનાવવી જોઈએ. આ વખતે એડમિશનના નિયમ બદલવા પડે એ અંગે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જે સ્કૂલમાં ધોરણ 11 ના વર્ગ નથી તે સ્કૂલમાં બે વર્ષ માટે ધોરણ 11 અને ત્યારબાદ ધોરણ 12ના વર્ગો માટે સરકારે પરવનાગી આપવી જોઈએ. ગુજરાતમાં 4300 શાળાઓ જ એવી છે જેમાં ધોરણ 11 ના વર્ગ છે.