અમદાવાદઃ રાજકોટ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિ ભુલ કરે પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો તેને સમાજ કે વ્યક્તિ માફ કરતો હોય છે. જો કોઇ ગુન્હો કરે અને પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઇ માફ ન કરે. દેશના અને સંસ્કૃતિના રક્ષણ માટે રાજા રજવાડાઓએ બલીદાનો આપ્યા છે. કોઇ રાજા રજવાડાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો, છતાં રૂપાલાએ વાણી વિલાસ કરી રોટી બેટીનો વ્યવહાર કરતા હોવાનું નિવેદન કર્યુ હતું. આ નિવેદનથી કોઇ એક જ્ઞાતી નહીં દેશની દિકરીઓનું અપમાન થયું છે. રોષ ઉભો થયા બાદ રૂપાલાએ દેશની તમામ દિકરીઓની માફી માંગવી જોઇએ.
તેમણે ઉમેર્યું હતું કે, રૂપાલાના ઉચ્ચારણોના વિવાદ બાદ ભાજપે તેમના એક નેતાને ત્યાં સંમેલન બોલાવ્યું, જ્યાં રૂપાલાએ માફી માંગતા કહ્યું કે હું જે બોલું છું તેની ક્યારેય માંફી માંગતો નથી, પણ જો પક્ષને નુકસાન થતું હોય તો માંફી માંગુ છું. શું આ માફી કહેવાય? જે સમાજના કાર્યક્રમમાં ગયા હતા તે સમાજના કાર્યકમ કામનો જ ન હતો, તેમ કહી દલિત સમાજનું અપમાન પણ કર્યું હતું. ભાજપે જે અહંકાર દાખવ્યો તે દુ:ખદ છે.
ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીની કેટલીક જવાબદારીઓ હોય. રૂપાલાએ દેશની મા બેન દીકરીઓનું અપમાન કર્યુ, એ ગંભીર ભુલ ગણી ભાજપે ટીકીટ રદ કરવાની જરૂર હતી. પરંતુ ભાજપે અહંકાર દાખવી સમાજને તોડવા અને ભાગલા પાડવાનું કામ કર્યું છે. જ્યારે કોઇ આંદોલન થાય ત્યારે સરકારે વિવેક પુર્ણ વ્યવહારની ફરજ પાડવી જોઈએ. અહંકાર તો સોનાની નગરીના રાવણનો પણ નહોતો ટક્યો, પોલીસ અધિકારીઓ અને સામાજિક આગેવાનો દ્વારા હાલ ક્ષત્રિયો સમાજના લોકોને સમજાવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો ભાજપે ટીકીટ રદ કરી હોત તો રાજકીય પક્ષ તરીકે જવાબદારી નિભાવ્યાનું કહી શકાત. પરંતુ ભાજપ આ કામમાં ઉણી ઉતરી છે. દીકરીઓનુ અપમાન કર્યું છે તેમ કહી ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાની ટીકીટ રદ કરવાની જરૂર હતી. ભાજપનું સમાજમાં ભાગલા પાડવાનું કાવતરું નિષ્ફળ રહ્યું, સમાજ એકત્ર થયો. હવે ભાજપ હાઇકમાન્ડના શરણે જાય છે. આ આંદોલન કોઇ મુઠ્ઠીભર નેતાઓએ ઉભુ કરેલુ આંદોલન નથી. દેશની માં બહેન દિકરીઓનુ અપમાન થયા બાદ સ્વયંભુ ઉભુ થયેલુ આંદોલન છે. ભાજપને લાગે છે કે થોડા લોકો પાસે નિવેદન કરાવવાથી સમાજ માફ કરશે પણ ભાજપ ભ્રમમાં છે. આ સામાજિક આંદોલન છે ભાજપ સમય ચુકી ગયુ છે. (File photo)