ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં પણ રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. મ્યુનિ. કોર્પોરેશને રખડતા ઢોર પકડવા માટે બેવાર ટેન્ડર પણ બહાર પાડ્યું હતું પણ કોઈ રિસપોન્સ ન મળતા ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવી રહ્યું છે. બીજીબાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ઢોર ત્રાસ અટકાયત અને નિયંત્રણ પોલિસીને બહાલી આપી દેવામાં આવી છે. હવેથી મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં પશુઓ રખડતા જોવા મળશે તો પશુ પાલકો સામે કાનૂની કાર્યવાહી કરાશે. ઉપરાંત જાહેરમાં ઘાસચારો વેચવા – ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમજ દરેક પશુ પાલકે ઢોરને RFID ચીપ તેમજ વિઝયુઅલ ટેગ ફરજિયાત લગાવવાના રહેશે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઢોર નિયંત્રણ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું. કે, ગાંધીનગર શહેરમાં નવા ગામોનો સમાવેશ થતા શહેરના વિસ્તારમાં વધારો થતાં શહેર 195.6 ચો.કિ.મી.માં ફેલાયેલું છે. પાટનગર સ્માર્ટ સીટીની હરણફાળ ભરી રહ્યું છે. જેથી શહેરના રોડ ઉપર રખડતા ઢોર ના હોય તેવી પરિસ્થિતિ અત્યંત જરૂરી છે. તેમજ ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ અનુસાર જીએમસી દ્વારા રસ્તા ઉપર રખડતા ઢોર પકડવાની કાર્યવાહી સઘન કરવામાં આવી છે. જે માટે અગાઉના સમયમાં કુલ 2 ટીમો હતી. હવે 24 x 7 કુલ 5 ટીમો દ્વારા 3 શીફ્ટમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. શહેરમાં ઢોર નિયંત્રણ પોલીસી અંતર્ગત પશુઓને RFID ચીપ અને વિઝ્યુઅલ ટેગ પશુને લગાવવાની રહેશે. પશુની RFID ચીપ તથા વિઝુયુઅલ ટેગ નંબર દ્વારા પશુ માલિકની ઓળખ કરી તેની સામે પશુ રખડતું મૂકવા બદલ વિવિધ જોગવાઇઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરાશે. ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ બનનારા શખસો સામે, ઢોર પાર્ટી પર હુમલો કરનારા શખસો સામે જાહેરનામાં ભંગની ફરીયાદ કરી કાર્યવાહી કરાશે. આ ઉપરાંત પકડાયેલા ઢોરને જો કોઇ પશુ માલિક છોડાવી ન જાય તો તેને પાંજરાપોળ હસ્તક સોંપી દેવાશે. ગાંધીનગર શહેરમાં જાહેર રોડ, રસ્તા, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર રખડતા ઢોર કોઇ સંજોગોમાં જોવા ન મળે તે અંગે તમામ ઘટતી કાર્યવાહી કરાશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે પશુ માલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેણે મ્યુનિ.કોર્પોરેશનમાંથી પશુ રાખવા અંગેની પરમીટ લેવાની રહેશે. તથા તે પરમીટ નિયત સમયે નક્કી થયા મુજબનો ચાર્જ ભરી રીન્યુ કરાવવાની રહેશે. આ પરમીટમાં દર્શાવેલ સંખ્યાથી વધુ ઢોર હશે તો દંડની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પશુ માલિકોએ પશુ રાખવા માટેનું લાયસન્સ લેવાનું રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ રિન્યુ કરાવવું પડશે. સક્ષમ અધિકારી ધ્વારા ઇન્સ્પેક્શન દરમિયાન કોઇપણ પ્રકારનો નિયમ ભંગ જણાશે તો પરવાના-લાયસન્સ ધારક વિરુધ્ધ નિયમ અનુસાર કાર્યવાહી થશે.