Site icon Revoi.in

શાળા પ્રવેશોત્સવ દરમિયાન સાયકલોનું વિતરણ ન કરી શકાયું, 830 સાયકલો ભંગાર બની જશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી ધોરણ 9માં પ્રવેશે તેવી વિદ્યાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્વારા સાઇકલ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થિનીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે. માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને સાયકલ મળતી નથી. અને પ્રજાના ટેક્સના પૈસે ખરીદાયેલી નવી નક્કોર સાયકલો ભંગાર બની જતી હોય છે. આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે છોટા ઉદેપુર તાલુકાના મલાજા ગામે  ખૂલ્લા ખેતરોમાં 830 નવી નક્કોર સાયકલો ભંગાર બની રહી છે.

છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે ખુલ્લા મેદાનમાં 830 જેટલી સરકારી સાઇકલો જોવા મળી હતી. જેમાં સાઇકલો ઉપર લેબલો લાગેલા છે કે શાળા પ્રવેશોત્સવ 2023. આ સાઇકલો શાળા પ્રવેશોત્સવ 2023માં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની હતી. ત્યારે હાલ 2024નો શાળા પ્રવેશોત્સવ પણ ઉજવાઇ ગયો. પરંતુ હજુ સુધી આ સાઇકલો વિતરણ કરવામાં આવી નથી. તો કોઇ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઇ રહી છે. 830 જેટલી સાઇકલો વર્ષ ઉપરનો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને અપાઇ નથી તેથી આર્શ્ચય થઇ રહ્યું છે.  ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલમલોલ અને પોલમપોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત  શિનોર તેમજ ડભોઇ તાલુકાની 1315 સાયકલો ભંગાર બની રહી છે. શિનોર તાલુકાના આનંદી ગામે  બી.એલ. પટેલ શારદા વિનય સ્કૂલના કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં શાળા પ્રવેશોત્સવ 2023ના લખાણવાળી, ખૂબ મોટા જથ્થામાં સાયકલો જોવા મળી રહી છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને  સાઇકલોનું વિતરણ કેમ કરવામાં આવતું નથી. એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે.  કેમ્પસમાં પડી રહેલી આ સાઇકલોમાં ઘણી સાયકલોને કાટ લાગી ગયો છે. પાછળના પંખાની લાલ લાઈટ ગુમ છે. શાળા કેમ્પસના વ્યવસ્થાપકને પૂછતાં જાણવા મળ્યું કે જે તે એજન્સી દ્વારા આ કેમ્પસના ભાડા પેટેની રકમ સંસ્થામાં જમા કરાવી છે. શાળા સંચાલક મંડળને આ વિતરણની કોઈ જવાબદારી નથી. આવી અનેક યોજનાઓ લાભાર્થીઓને સમયે મળતી ના હોવાથી અધિકારીઓના પાપે સરકાર વગોવાય રહી છે. વરસાદમાં સાઇકલો ખુલ્લામાં પડી છે, કોઇને પડી નથી.