જયપુરઃ લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પૂરોજોશમાં પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના બિકાનેર અને જોધપુરમાં યોજી જનસભા. રાહુલ ગાંધીએ કહ્યું અમારી સરકાર આવે તો જાતિ આધારિત વસતી ગણતરી, આર્થિક અસમાનતાનો કરાવીશું સરવે, મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામત મળશે. સાથે જ કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો 30 લાખ સરકારી નોકરી આપશે તેમજ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરાવશે.
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે ધનપતિઓના દેવા માફ કર્યા તેટલા નાણામાં તો 24 વર્ષ સુધી મનરેગા યોજના ચલાવીને શ્રમિકોને મદદરૂપ થઈ શકાય. રાહુલ ગાંધીએ જોધપુર અગાઉ રાજસ્થાનના બિકાનેરમાં પણ વિશાળ જનસભા સંબોધી હતી. તો બસપા સુપ્રીમો માયાવતીએ નાગપુરમાં કહ્યું, જાતિવાદી માનસિકતાને કારણે જ કોંગ્રેસને નુકસાન થયું છે.
દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા મોટાભાગની બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. જ્યારે જે બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી બાકી છે ત્યાં હાલ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ જોરશોરથી ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએની સરકારને ઘરભેગી કરવા માટે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોએ ગઠબંધન કર્યું છે. તેમજ વિપક્ષી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભાજપાના આગેવાનો પણ સમગ્ર દેશમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.