અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો. હવે બીજા તબક્કાનું 93 બેઠકો પરનું મતદાન 5મી ડિસેમ્બરે નોંધાશે. બીજા તબક્કની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં ઓબીસી મતદારો મહત્વનું ફેકટર સાબિત થશે. ત્યારે કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવાયા કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો OBC માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી હશે. તેમજ સરકારમાં એક-બે નહિ, પરંતુ ત્રણ ઉપમુખ્યમંત્રી હશે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે. મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોતની મીટિંગ બાદ આ નિર્ણયો લેવાયા છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા ગુજરાત કોંગ્રેસ જ્ઞાતિનું કાર્ડ રમવા જઈ રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગુજરાત કોંગ્રેસના ચૂંટણીના ઓર્બ્ઝવર અશોક ગેહલોતે છેલ્લી ઘડીએ મોટી ચાલ ચાલી છે. તેઓએ ચૂંટણી પ્રચારમાં રાજનીતિ બદલીને મોટા નિર્ણયો લીધા છે. પ્રથમ તબક્કામાં ધીમી ગતિએ ચાલેલા મતદાનને જોતા ગુજરાત કોંગ્રેસ હવે મેદાને આવ્યુ છે. આ માટે ગુજરાત કોંગ્રેસે જો તેમની સરકાર બનશે તો મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી કયા સમાજમાંથી હશે તે જાહેરાત કરી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના મત અંકિત કરવા માટે ગુજરાત કોંગ્રેસ માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેમાં કોંગ્રેસે કહ્યું કે, જો તેમની સરકાર કોંગ્રેસની બનશે તો ઠાકોર સમાજના મુખ્યમંત્રી બનાવવામા આવશે. આ સાથે જ તેમણે ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે. જે SC, ST અને અલ્પસંખ્યક સમુદાયમાંથી હશે.
રાજકીય પંડિતોના કહેવા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 2007, 2012 ના પરિણામો બતાવે છે કે, 27 વર્ષની કોંગ્રેસની કમિટેડ વોટબેંક ઓબીસી મતદારો રહ્યા છે. એવરેજ સીટ આવતી હતી તે કમિટેડ વિસ્તારમાંથી આવે છે. ઓબીસીના કમિટેડ વોટ્સને લીધે કોંગ્રેસનું સ્થાન ગુજરાતમાં જળવાયું છે. તેથી આ વિસ્તારના લોકોને યોગ્ય સ્થાન આપવાનું ગુજરાત કોંગ્રેસે મન બનાવી લીધું છે. બીજા તબક્કાના મતદાનને બે દિવસ બાકી છે, ત્યારે ઓબીસીના મતદારોને રિઝવવા માટે કોંગ્રેસે આખરી દાવ ખેલ્યો છે.
ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે,, કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા કર્યા છે, તે જનતાને સ્પર્શતા મુદ્દા છે. અમે આ ચૂંટણીમાં સારુ પરિણામ લાવીશું. રાવણ મુદ્દાને પીએમ મોદીએ તોડીમરોડીને રજૂ કર્યો છે. તેઓ નિવેદનમાંથી સંદર્ભ હટાવી દે છે, અને ભાવનાત્મક મુદ્દાઓ જનતા સામે મૂકે છે. પીએમ મોદીજી તેમના ભાષણોમાં મનમોહનસિંહ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિશે શું બોલ્યા છે તે અમે રિપીટ કરતા નથી. પીએમ મોદી નિર્ણયને તોડી મરોડીને રજૂ કરે છે. આવા મુદ્દા જનતા સામે છેલ્લી ઘડીએ લાવે છે. પંરતુ આ વખતે તેમનો જાદુ નહિ ચાલે. અમે તેમની જેમ મુદ્દા રિપીટ કરીને ભાવનાત્મક મુદ્દા બનાવતા નથી. તેઓ અમારા માટે શુ બોલે છે તે વિશે અમે કંઈ બોલતા નથી. આ વખતે તેમનો જાદુ નહિ ચાલે તે નક્કી છે.(file photo)