ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને વાહન ભથ્થું આપવાનો આદેશ કર્યો છે. જેને પગલે જિલ્લા પંચાયતના કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવે છે. પરંતુ પ્રાથમિક શિક્ષકોને તેનાથી વંચિત રાખવામાં આવ્યા હોવાથી તાકિદે વાહન ભથ્થાનો લાભ શિક્ષકોને આપવાની માંગણી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરી છે. શિક્ષકોએ એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. કે, જિલ્લા પંચાયતોના કર્મચારીઓને વાહનભથ્થાનો લાભ મળતો હોય તો શિક્ષકોને કેમ નહી ?,
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓના પગારના બેઝિકના આધારે અલગ અલગ ભથ્થા ચુકવવામાં આવે છે. જેમાં વાહન ભથ્થું સરકારી કર્મચારીઓને ચુકવવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે. આથી ગાંધીનગર જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓને આદેશ મુજબ વાહન ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જોકે અન્ય જિલ્લાના પ્રાથમિક શિક્ષકો જિલ્લા પંચાયતના જ કર્મચારીઓ ગણાતા હોવાથી તેઓને વાહન ભથ્થાનો લાભ આપવામાં આવી રહ્યો છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના જ પ્રાથમિક શિક્ષકોને વાહનભથ્થાથી વંચિત રાખવામાં આવ્યા છે.
પ્રાથમિક શિક્ષકોની પાસે શિક્ષણ સિવાયની અન્ય કામગીરી કરાવવામાં આવે છે. પરંતુ જ્યારે વાહન ભથ્થું આપવાના મામલે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો શિક્ષકોમાં ઉઠવા પામ્યા છે. આથી પ્રાથમિક શિક્ષકોના આર્થિક નુકશાન થઇ રહ્યું હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. ત્યારે પ્રાથમિક શિક્ષકોના હિતમાં મળવાપાત્ર વાહન ભથ્થું આપવામાં આવે તેવી માંગણી સાથે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રજુઆત કરી હોવાનું શિક્ષકોએ જણાવ્યું છે. વાહન ભથ્થું જિલ્લાના ચાર તાલુકાના શિક્ષકોને આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.