વિચાર નવા હોય તો જૂના સંશાધનોથી પણ નવો રસ્તો બનાવી શકાયઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી
દિલ્હીઃ બજેટસત્ર પૂર્વે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ દેશના વીરોને યાદ કર્યાં હતા. તેમજ દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમણે કહ્યું કે, કોરોના મહામારીને પગલે મુશ્કેલી વધી છે પરંતુ આજે ભારત સૌથી વધારે રસીકરણ કરવાવાળા દેશમાં સામેલ છે. સરકાર ભવિષ્યની તૈયારીમાં લાગી છે. આ માટે 64 હજાર કરોડના ખર્ચે આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. 8 હજારથી વધારે જન ઔષધિ કેન્દ્રમાંથી લોકોને ઓછી કિંમતમાં દવાઓ પુરી પાડવામાં આવી રહી છે.
તેમણે બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને કહ્યું હતું કે, બાબા સાહેબ કહેતા હતા કે મારુ આદર્શ સમાજ એવો હશે જે સ્વાધીનતા, ભાઈચારા ઉપર આધારિત હશે. બાબા સાહેબના આ વાક્યને મારી સરકાર ધ્યેય વાક્ય માને છે. પદ્મ પુરસ્કારોની જે યાદી આવી છે તેમાં તે જોવા મળે છે. સરકાર ગરીબોની ગરીમા વધારવાનું કામ કરે છે. 2 કરોડથી વધારે લોકોને પાકા ઘર આપવામાં આવ્યાં છે. આવાસ યોજના હેઠળ એક કરોડથી વધારે ઘર સ્વીકૃત કરવામાં આવ્યાં છે. હર ઘર જલ યોજના હેઠળ 6 કરોડ ગ્રામિણ ઘરને આવરી લેવાયાં છે. તેમજ 40 લાખ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યાં છે. કોરોના કાળમાં સરકાર દ્વારા ગરીબોને અનાજ પુરુ પાડવાની યોજનાનો પ્રારંભ કર્યો હતો. 80 કરોડ પરિવારોને અનાજ પુરુ પાડવામાં આવી રહ્યું છે. ડીજીટલ ભારત યોજના હેઠળ ઓનલાઈન પેમેન્ટ વધ્યું છે. ડિસેમ્બર 2021માં 8 લાખ કરોડનું ઓનલાઈન ટ્રાન્જેકશન થયું છે. પીએમ સ્વાવલંબી યોજના હેઠળ 28 લાખ કરોડ શ્રમિકોને મદદ કરવામાં આવી છે. તેમજ ઈ-શ્રમ પોર્ટલ ઉપર 23 લાખથી વધારે શ્રમિકોએ નોંધણી કરાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ખેડૂતો પાસેથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની આવકમાં વધારો થયો છે. કૃષિ નિકાસ પણ રેકોર્ડ બ્રેક વધારો થયો છે. કિસાન રેલ યોજના હેઠળ કોરોના કાળમાં 1900 જેટલી રેલ દોડાવવામાં આવી હતી. આમ જો વિચાર નવો હોય તો જૂના સંસાધનોથી નવો માર્ગ શોધી શકાય છે. નાના ખેડૂતોના હિતોને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકાર ઓર્ગેનિક ખેતી જેવા પ્રયાસ કરી રહ્યું છે. સરકાર વરસાદી પાણીને બચાવવા પગલા ભરી રહી છે. અટલ ભૂ જલ યોજના હેઠળ 64 લાખ હેકટર સિંચાઈ ક્ષમતા વધી છે. ભારતમાં ઈન્ટરનેટની કિંમત સૌથી ઓછી છે. 5જી ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં સ્ટાર્ટઅપ ઝડપથી વધુ રહ્યું છે. જેથી ભારતમાં રોજગારીની તકો વધી છે.
મહિલા સશક્તિકરણ અંગે કહ્યું હતું કે, છોકરીઓના લગ્નની વય છોકરા બરાબર કરવામાં આવી છે. સૈનિક સ્કૂલોમાં પણ હવે દીકરીઓ અભ્યાસ કરી શકશે. 3 તલાકને ખતમ કરવામાં આવ્યું છે. મુસ્લિમ મહિલાઓ માટે માત્ર મહેરમની સાથે હજયાત્રા કરવાના પ્રતિબંધ પણ હટાવવામાં આવ્યો છે. ભારતની વિદેશી મુદ્રા ભંડાર 630 બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. તેમજ નિકાસ પણ વધી રહી છે.
નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે 3 લાખ કરોડના કોલેટ્રલ ફી લોન વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગેરન્ટી બાદ 4 લાખ કરોડ કરવામાં આવ્યો છે. જેથી નાના ઉદ્યોગોને વિકાસમાં મદદ મળી છે. ખાદીની સફળતા સૌને દેખાઈ રહી છે. ખાદીનું વેચાણમાં 4 ગણો વધારો થયો છે. દેશમાં નેશનલ હાઈવેની લંબાઈ બધીને 1.40 લાખ કિમી કરાઈ છે. ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. દિલ્હી-મૂંબઈ એક્સપ્રેસ પૂરો થવાને આરે છે. જે સૌથી લાંબો એક્સપ્રેસ બે હશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભરતા પર સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. 2020-21માં 87 ટકા ઉત્પાદનોમાં મેક ઈન ઈન્ડિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 209 એવી વસ્તુઓની યાદી જાહેર કરાઈ છે જે વિદેશથી ખરીદવામાં આવતી નથી. નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોમાં વિકાસની કામગીરી ચાલી રહી છે. અહીં પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. જેમાં રેલ લાઈનનો પણ સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં લોકોને રોજગારી મળી રહે તે દિશામાં પણ કામગીરી થઈ રહી છે.