નવી દિલ્હીઃ ભારતમાં સુરક્ષાની જવાબદારી નીભાવતી પોલીસનો ઇતિહાસ લાંબો છે અને તેની સાથે રોચક વાતો જોડાયેલી છે. દેશમાં ખાખી વર્દી પોલીસની ઓળખ છે અને પોલીસ જવાનો ખાખી વર્દીમાં જ જોવા મળે છે પરંતુ પશ્ચિમ બંગાળના શહેર કોલકત્તામાં પોલીસ ખાખી યુનિફોર્મમાં નહીં પરંતુ સફેદ યુનિફોર્મમાં જોવા મળે છે. જ્યારે કોલકત્તા સિવાય સમગ્ર બંગાળમાં પોલીસનો યુનિફોર્મ ખાખી જ છે. સમગ્ર દેશમાં માત્ર કોલકત્તા પોલીસનો યુનિફોર્મ જ સફેદ કેમ તેવા સવાલો ઉભા થાય, કોલકત્તા પોલીસના સફેદ યુનિફોર્મ પાછલ લાંબો ઈતિહાસ જોડાયેલો છે.
દેશમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1845માં અંગ્રેજોએ કોલક્તા પોલીસની રચના કરી હતી. જ્યારે પોલીસ તંત્રના માળખાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પોલીસની વર્દીને લઈને લાંબી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્રિટીશ અધિકારીઓએ લંબાણપૂર્વકની માનસિક મથામણ બાદ કોલકત્તા પોલીસની વર્દી સફેદ રંગની પસંદ કરી હતી. કોલકત્તા પોલીસનું માળખુ તૈયાર થઈ ગયા બાદ વર્ષ 1861માં બ્રિટીશ સરકારે બંગાળમાં પોલીસ તંત્રની સ્થાપના કરી હતી. આમ બંગાળ કરતા કોલકત્તામાં પહેલા પોલીસ તંત્રનું માળખુ તૈયાર થયું હતું. એટલું જ નહીં સમગ્ર બંગાળમાં પોલીસ ખાખી વર્દી પહેરે છે.
કોલકત્તામાં 1845માં પોલીસ તંત્રની રચના કર્યા બાદ ઉચ્ચ અધિકારી લમ્બસડેનએ કોલકત્તા પોલીસ માટે ખાખી વર્દીનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, કોલકત્તા દરિયાકાંઠાનો વિસ્તાર હોવાની સાથે અહીં વાતાવરણ ભેજ વાળુ રહેતુ હોય છે જેથી પોલીસ કર્મચારીઓને શારિરીક સમસ્યા ના થાય તે માટે ખાખી વર્દીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. અંગ્રેજ અધિકારીએ વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણને ધ્યાનમાં રાખીને વાતાવરણને અનુકુળ પોલીસ યુનિફોર્મ સફેદ રંગનો રાખવાનો નિર્ણય કર્યો હતો. બસ ત્યારથી જ કોલકત્તા પોલીસ સફેદ યુનિફોર્મ પહેરે છે.
(દીપક દરજી)