Site icon Revoi.in

જુની પેન્શન યોજનાનો અમલ સહિતના પ્રશ્નો નહીં ઉકેલાય તો કર્મચારીઓ આંદોલન કરશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ પોતાના વણ ઉકલ્યા પ્રશ્નો માટે સરકારનું નાક દબાવ્યુ છે. જુની પેન્શન યોજનાનો અમલ, સાતમા પગાર પંચના બાકી લાભ, નિવૃતિ વયમાં વધારો, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોને લઇને મંગળવારે ગાંધીનગરમાં ગુજરાત રાજય કર્મચારી મહા મંડળની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના વિવિધ નવ મહામંડળના પદાધિકારીઓ – કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ નહીં આવે તો ઝોન વાઇઝ દરેક જિલ્લામાં આકસ્મિક કાર્યક્રમો – રેલીઓ કાઢી જલદ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ જુની પેન્શન યોજનાના અમલ, સાતમા પગાર પંચના બાકી લાભ, નિવૃતિ વયમાં વધારો, ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના પડતર પ્રશ્નોને લઇને સરકાર સામે આંદોલન છેડવા માટે રણનીતિ તૈયાર કરવા કર્મચારીઓના વિવિધ નવ મહામંડળના પદાધિકારીઓ – કર્મચારીઓની ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહા મંડળની સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં મહામંત્રી જી એન પટેલ સિનિ.ઉપપ્રમુખ જયેશ ગોસ્વામી.સંગઠન મંત્રી મુકુંદ વીડજા ઉપરાંત ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, પંચાયત કર્મચારી મહાસંઘ, ધી ઓફિસર્સ ફેડરેશન, ધી સચિવાયલ ફેડરેશન, રાજ્ય શૈક્ષિક મહાસંઘ, રેવન્યુ કર્મચારી મંડળ, ન્યાયાલય કર્મચારી મહામંડળ, વર્ગ-4 કર્મચારી મહામંડળ, બોર્ડ-નિગમ કર્મચારી મંડળ, મહાનગરપાલિકા કર્મચારી સંકલન સમિતિ, નગરપાલિકા કર્મચારી મહામંડળ,કોલેજ વહીવટી મહામંડળ, પેન્શનર સંકલન સમિતિ, પ્રાથમિક શિક્ષક સંઘનાં પદાધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને તે અંગે મહામંડળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની જાણ કરવામાં આવી હતી. આ અંગે મહા મંડળના સિનિયર ઉપપ્રમુખ જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી નિરાકરણ લાવવા અંગે કોઇજ પ્રતિસાદ મળ્યો નથી. આથી રાજ્યના કર્મચારીઓમાં સરકારની નીતિ સામે અસંતોષ વ્યાપ્યો છે.જે અન્વયે સામેલ પ્રશ્નો અંગે સરકાર તરફથી કોઇ હકારાત્મક નિર્ણય કરવામાં ન આવે તો સદર બાબતે ઝોન વાઇઝ જિલ્લાઓમાં આકસ્મિક કાર્યક્રમો તથા રેલીઓ જેવા જલદ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાનુ સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.