ભાવનગરઃ ગુજરાતના એક લાખથી વધુ આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે તમામ જિલ્લાઓમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધતા આવેદન પત્રો આપવામાં આવ્યા છે. આવેદપત્ર પત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે 1લી ડિસેમ્બર સુધી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક યોજવામાં નહીં આવે તો એ પછી બંધારણીય માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
રાજ્યમાં આંગણવાડી વર્કર હેલ્પર અને 40 હજારથી વધુ આશા વર્કર અને ફેસીલેટર બહેનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. ભાવનગર જિલ્લાના શહેર ઉપરાંત પાલિતાણા, વલભીપુર, ગારિયાધાર, તળાજા, સિહોર, મહુવા, ઉમરાળા, ઘોઘા સહિતના તમામ તાલુકાઓમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાબેન રોહિતે જણાવ્યું છે કે 45 વર્ષથી સેવા કરતા હોવા છતાં આંગણવાડી વર્કરોને કાયમી કરાયા નથી તેમજ લઘુતમ વેતન પણ આપવામાં આવતું નથી. જ્યારે સરકારે નબળી ગુણવત્તાવાળા મોબાઈલો આંગણવાડી વર્કરોને આપીને તે ઉપર કામ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં આંગણવાડી વર્કર નિવૃતિ વયમર્યાદા 60 કે તેથી વધારે છે પરંતુ ગુજરાતમાં તે 58 રાખવામાં આવી છે. બાળકોને અને માતાઓને આપવામાં આવતા તૈયાર પેકેટની નબળી ગુણવત્તા, સ્વાદ વગરના હોવાના કારણે બાળકો અને માતાઓ તે લેવા તૈયાર ન હોવા છતાં ફરજિયાત આપવા પડે છે અને તે વાલીઓ ઢોરને ખવડાવી દે છે. પ્રમોશન, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી સહિતની 13 જેટલી માગણીનો સમાવેશ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે
ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયનના મહામંત્રી અશોક સોમપુરા જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન જીવના જોખમે આશા વર્કર તથા ફેસીલીટેટરબેનોએ સેવા બજાવી હોવા છતાં ખુદ સરકાર દ્વારા જાહેર કરેલી નાનકડી રકમ માસિક રૂપિયા 1000 અને રૂપિયા 500 ગત એપ્રિલ પછી ચૂકવવામાં આવ્યા નથી અને હવે સરકાર કામ લઈ લીધા પછી છેતરપિંડી કરી રહી છે અને 1000 રૂપિયા અને પાંચસો રૂપિયામાં પણ કાપ મૂકવા માંગે છે. આશાવર્કરને માત્ર માસિક રૂપિયા અઢીથી ત્રણ હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રેસ ફાટી ગયા હોવા છતાં નવા ડ્રેસ આપવામાં આવતા નથી. (file photo)