અમદાવાદઃ રાજ્યના તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકાર સામે વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે બાંયો ચઢાવી છે. તલાટી-મંત્રીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો નહીં ઊકેલવામાં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય સરકારને આપેલા 12 પાનાંના વિસ્તૃત આવેદન પત્રમાં પડતર પ્રશ્નો અંગેની વિગતવાર વિગતો આપીને પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરવામાં આવી છે.
રાજ્યના તલાટી મંત્રી મહામંડળે સરકારને 12 પાનાનું આવેદનપત્ર આપ્યું છે, જેમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરીને પ્રશ્નો તાકીદે ઉકેલ લાવવાની માંગ કરી છે નહીંતર રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી આપવામાં આવી છે. જેમાં 13મી સપ્ટેમ્બરના રોજ તમામ જિલ્લા તલાટી મંડળ દ્વારા જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવશે તેમજ તલાટીઓ પોતાના મોબાઈલમાં સરકારી કચેરીના અધિકારીઓ સાથે જોડાયેલા ગ્રુપમાંથી એક સાથે રિમૂવ થશે. ત્યારબાદ તા.20-9-2021ના રોજ તમામ તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે આમ છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 1લી ઓકટોબર ના રોજ માસ સી.એલ પર જશે અને તાલુકા કક્ષાએ દેખાવો કરશે. 7મી ઓકટોબરે તમામ તલાટી મંડળ જિલ્લા પંચાયત ખાતે એક દિવસના ધરણાં કરશે અને 12મી ઓકટોબરના રોજ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે. 20 પાના આવેદનપત્રમાં 11 જેટલા પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્રમાં તા.6-10-2018ની રજૂઆત પછી સરકારે આપેલી હૈયાધારણા અને ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો પછી પણ કોઈ હકારાત્મક ઉકેલ નહિ આવતાં આંદોલનનો માર્ગ લેવાની ફરજ પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.