અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા દાયકામાં મેડિકલ કોલેજોની સંખ્યામાં સારોએવો વધારો થયો છે. પરંતુ કહેવાય છે. કે મેડિકલ કોલેજોમાં પુરતા અધ્યાપકો-પ્રાધ્યાપકો જ નથી હોતા. અને જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી અધ્યાપકોને બદલી કરીને લાવવામાં આવતા હોય છે.આ સીલસીલો વર્ષોથી ચાલી રહ્યો છે. અને તબીબી વિજ્ઞાનની મહત્વની ફેકલ્ટીઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓથી વિદ્યાર્થીનો અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. ત્યારે દેશની ગુજરાત સહિતની જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા એક મેડિકલ કોલેજમાંથી અન્ય મેડિકલ કોલેજમાં મોટી સંખ્યામાં અધ્યાપકોની ટ્રાન્સફર કરાતી હોય છે. આ મુદ્દે તાજેતરમાં કેટલાક અધ્યાપકોએ હાઇકોર્ટમાં રિટ કરતાં નેશનલ મેડિકલ કમિશને જુદી જુદી રાજ્ય સરકારોને તાકીદ કરી છે કે મેડિકલ એજ્યુકેશનમાં કોઇપણ પ્રકારના ચેડાં ન થાય તે જોવાની જવાબદારી જે તે સરકારની છે. કોલેજમાં અધ્યાપકોની સંખ્યા ઓછી થાય તો તે માટે કોલેજને પણ જવાબદાર ગણવામાં આવશે.
સૂત્રા જણાવ્યા મુજબ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા તાજેતરમાં ગુજરાત સહિત જુદા જુદા રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓને એવી તાકીદ કરી છે કે, દરેક UG અને PG મેડિકલ કોર્સમાં નિયમ પ્રમાણે ફેકલ્ટી પૂરતી છે કે નહીં તેની જવાબદારી મેડિકલ કોલેજની રહેશે. આ ઉપરાંત એક વખત કોઇ એક મેડિકલ કોલેજમાં જે ફેકલ્ટીને દર્શાવ્યા હોય તે જ ફેકલ્ટીને અન્ય મેડિકલ કોલેજમાં દર્શાવી શકાય નહીં. જે કોલેજમાં આ ફેકલ્ટીની ગણતરી કરાઇ હોય તે જ કોલેજમાં ગણાશે. અન્ય કોલેજમાં દર્શાવાય તો પણ તે માન્ય રહેશે નહીં. આ ઉપરાંત એક સરકારી કોલેજમાંથી બીજા સરકારી કોલેજમાં અધ્યાપકોને ટ્રાન્સફર કરવી તે મુદ્દે જે તે રાજ્ય સરકાર હસ્તક અને વહીવટીક્ષેત્રમાં આવે છે. આમ છતાં સરકારે એ વાતની ખાતરી કરવાની રહેશે કે, એક મેડિકલ કોલેજમાંથી અન્ય મેડિકલ કોલેજમાં અધ્યાપકની ટ્રાન્સફર કરવામાં આવે ત્યારે જે કોલેજમાંથી ટ્રાન્સફર કરવામાં આવી છે ત્યાં અધ્યાપકોની અછત ઊભી થાય છે કે નહીં. જો આ પ્રકારની અછત ઊભી થતી હોય અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોય તો તેના માટે તાકીદ અન્ય વ્યવસ્થા ઊભી કરવાની રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, દેશમાં ખાનગી હોય કે સરકારી મેડિકલ કોલેજ હોય અધ્યાપકોની કાયમ ઘટ રહેતી હોય છે. કારણ કે મેડિકલમાં અનસ્નાતક થયેલા તબીબો અધ્યાપકો બનવા કરતા પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. હવે તો ફાઈવસ્ટાર જેવી બનેલી હોસ્પિટલો પણ તબીબોને તગડો પગાર આપી રહી છે. એટલે કોલેજોમાં અધ્યાપકોની ઘટ કાયમ જોવા મળતા હોય છે. અને આ બાબતથી એમસીઆઈ પણ અજાણ નથી.જે તે મેડિકલ કોલેજમાં ઇન્સ્પેક્શન દરમિયાન મોટી સંખ્યામાં અધ્યાપકોની ટ્રાન્સફર કરાઇ રહી છે. ઇન્સ્પેક્શન પૂરું થયા બાદ જે તે અધ્યાપકોને પરત મૂળ કોલેજમાં મોકલી અપાતા હોય છે. આ મુદ્દે કેટલાક અધ્યાપકોએ હાઇકોર્ટમાં રિટ કરી હતી. (FILE PHOTO)