ભાવનગરઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં યાત્રા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં જૈન-જૈનેત્તર આવે છે. પરંતુ રેલ માર્ગે પાલિતાણાથી માત્ર એક બાંદ્રાની સાપ્તાહિક ટ્રેન જ ઉપલબ્ધ છે. મુંબઇ-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ટ્રાફિક રહે છે, તેને ધ્યાનમાં રાખી અને પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક ટ્રેનને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેનને વાયા બોટાદ-ગાંધીગ્રામના ટુકા રૂટ્સ પરથી દોડાવવામાં આવે તો મુંબઈ વચ્ચેનું અંતર પણ ઘટી જાય અને પ્રવાસીઓનો સમય પણ બચી શકે તેમ છે.
મુંબઈથી પાલિતાણા વચ્ચે પ્રવાસીઓને સારોએવો ટ્રાફિક રહેતા હોય છે. હાલ બાંન્દ્રા-પાલિતાણા વચ્ચે માત્ર સાપ્તાહિક ટ્રેન દોડાવવામાં આવે છે, અને આ ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. હાલ બાંદ્રા-ભાવનગર ટ્રેન દોડી રહી છે, પરંતુ મુંબઇથી આવતા જૈન યાત્રાળુઓને સોનગઢ રેલવે સ્ટેશને ઉતરી અને ત્યાંથી સડક માર્ગે પાલિતાણા જવા માટે વાહન બંધાવવું પડે છે, અને તેના માટે વાહન ચાલકો બેફામ નાણા યાત્રાળુઓ પાસેથી પડાવી રહ્યા છે. પાલિતાણા-બાંદ્રા ટ્રેનને મુંબઇના બાંદ્રાથી એવા સમયે ઉપાડવી જોઇએ કે આ ટ્રેન વહેલી સવારે 4 અથવા 5ની આજુબાજુ પાલિતાણા પહોંચી જાય. આ ટ્રેનમાં જો યાત્રાળુઓ આવે તો આખા દિવસ દરમિયાન પાલિતાણાના તમામ પવિત્ર યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ સંપન્ન કરી અને આ જ ટ્રેનમાં રાત્રે બેસી અને બીજા દિવસે મુંબઇ પરત ફરી શકે છે. યાત્રાળુઓને મુંબઇથી છેક પાલિતાણા સુધીની કનેક્ટિવિટી મળી શકે તેમ છે.
ભાવનગર જિલ્લાના અનેક લોકો મોટી સંખ્યામાં સુરતમાં વસવાટ ધરાવે છે, પરંતુ કાંઇક ને કાંઇક કામથી તેઓને ગામડે આવવા-જવાનું હોય છે. પાલિતાણા-બાંદ્રા ટ્રેન દૈનિક બનાવવામાં આવે તો પાલિતાણા, ગારિયાધાર, સોનગઢ, ધોળા, બોટાદના રત્નકલાકાર શ્રમિકો માટે પણ સુરત આવવા-જવા માટે આ ટ્રેન ખુબ જ અનુકુળ સાબિત થઇ શકે તેમ છે. ભાવનગર-બાંદ્રા ટ્રેનને સતત સાનુકુળ મળી રહેલા પ્રતિસાદને ધ્યાને રાખી અને જિલ્લામાંથી પાલિતાણા-બાંદ્રા ટ્રેનને દૈનિક બનાવવામાં આવે તો પ્રવાસી જનતાને બહોળો લાભ મળી શકે તેમ છે.