માતા-પિતા જો બાળકો પર ધ્યાન ન આપે તો, બાળકો થઈ જાય છે આ બીમારીનો શિકાર
દરેક માતા પિતા ઈચ્છે કે તેનું બાળક હંમેશા સહી-સલામત અને તંદુરસ્ત રહે, બાળકો જ્યારે પણ બીમાર થાય ત્યારે સૌથી પહેલા તો માતાપિતાની ચિંતા વધી જાય છે, પણ ક્યારેક તો માતા પિતાને ખબર પણ નથી હોતી કે તે કયા પ્રકારની ભૂલ કરી રહ્યા છે અને તેનાથી બાળકને કેવી બીમારી થઈ શકે છે. અત્યારે આપણે વાત કરીશું સ્થૂળતાની, કે જેમાં બાળક કરતા માતા પિતાએ વધારે ધ્યાન રાખવું જરૂરી છે. સ્થૂળતાના કારણે બાળકોમાં ડાયાબિટીસ, હૃદય રોગ (Heart disease)અને અસ્થમા થઈ શકે છે. જો કે, આપણી ખાવાની આદતોમાં સુધારો કરીને આપણે આપણા બાળકોને સ્થૂળતાની સમસ્યાથી દૂર રાખી શકીએ છીએ.
સૌથી મહત્વપૂર્ણ છે કે તમે તમારા ઘરમાં પારિવારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપો. આ સાથે આખો પરિવાર સાથે મળીને આનંદ માણી શકે છે. તેનાથી ફેમિલી બોન્ડિંગ પણ સારું બને છે. આ ઉપરાંત બાળકોને શારીરિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રેરિત કરી શકાય છે.સ્વિમિંગ અથવા સાયકલ ચલાવવાથી બાળકોને સક્રિય રાખવામાં મદદ મળી શકે છે.
મોટાભાગના બાળકો તેમના માતા-પિતા બજારમાંથી જે લાવે છે તે ખાય છે. ધ્યાનમાં રાખો કે બજારમાંથી ખરીદેલા મોટાભાગના ખોરાકમાં ચરબી અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે સ્થૂળતાનું કારણ બને છે. આ સિવાય સોફ્ટ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ અને કેન્ડી પણ સ્થૂળતાને પ્રોત્સાહન આપે છે. તમારે ઘરમાં મીઠાઈઓ રાખવાની મર્યાદા રાખવી જોઈએ ફાસ્ટ ફૂડ, ફ્રોઝન ફૂડ, નમકીન નાસ્તો અને પેક્ડ ફૂડ આપવાને બદલે બાળકોને ખાવા માટે તાજા ફળો કે શાકભાજી આપો.