જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરીઃ શર્મિષ્ઠા મુખર્જી
- જયપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી રહ્યાં ઉપસ્થિત
- કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએઃ શર્મિષ્ઠા મુખર્જી
જયપુરઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને લેખિકા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં પાર્ટી સતત હારતી હોય તો તેના વિશે વિચારવું જરૂરી છે. તેથી કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએ.
જયપુરમાં એક કાર્યક્રમ તેમણે કહ્યું કે, કોંગ્રેસે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાહુલ ગાંધી વર્ષ 2014 અને 2019માં ખૂબ જ ખરાબ રીતે હારી ગયા હતા. તેઓ કોંગ્રેસનો ચહેરો હતા. લોકસભાની બે ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. જો કોઈ ચોક્કસ નેતાના નેતૃત્વમાં કોઈ પક્ષ સતત હારી રહ્યો હોય તો તેના વિશે વિચારવું જરૂરી છે. કોંગ્રેસે વિચારવું જોઈએ કે પાર્ટીનો ચહેરો કોણ હોવો જોઈએ.
પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ વધુમાં કહ્યું કે લોકશાહીમાં અલગ-અલગ વિચારધારા હોય છે, તમે તેમની વિચારધારા સાથે સહમત ન હો, પરંતુ તેનો અર્થ એ નથી કે તે વિચારધારાનું અસ્તિત્વ ખોટું છે. તેથી સંવાદ હોવો જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે મારા પિતા સક્રિય રાજકારણમાં હતા, ત્યારે સંસદમાં મડાગાંઠ દરમિયાન પક્ષના અન્ય સભ્યો સાથે ચર્ચા કરવાની તેમની કુશળતાને કારણે તેઓ સર્વસંમતિ નિર્માતા માનવામાં આવતા હતા. લોકશાહીનો અર્થ માત્ર બોલવાનું નથી, બીજાનું સાંભળવું પણ ખૂબ જ જરૂરી છે. તેમની વિચારધારા એવી હતી કે લોકશાહીમાં સંવાદ હોવો જોઈએ.