વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
મોટાભાગના લોકો એવા હોય છે જે પોતાના સ્માર્ટફોન વિના રહી શકતા નથી. તેઓ જ્યાં પણ જાય ત્યાં ફોન સાથે લઈ જાય. કેટલાક લોકો તો થોડી કલાક માટે પણ મોબાઈલ ફોનને છોડતા નથી. તો વળી કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ બાથરૂમમાં પણ ફોનની સાથે રાખે છે. અને કેટલાક લોકો એવા હોય છે જે વરસાદ આવતો હોય તો પણ જરૂરી કામ પતાવી લેવાની ઉતાવળમાં ફોનનો ઉપયોગ કરી લેતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ફોનમાં પાણી જતું રહે છે. ફોન થોડો પણ ભીનો થાય તો ખરાબ થવાનું જોખમ વધી જાય છે. વરસાદી વાતાવરણમાં જો કોઈ પણ કારણસર તમારો ફોન પણ ભીનો થઈ જાય કે પાણીમાં પડી જાય તો તેને ખરાબ થવાથી કેવી રીતે બચાવવો તે જાણી લો.
ફોન ભીનો થઈ જાય તો શું કરવું ?
– વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો સૌથી પહેલા તેને સ્વીચ ઓફ કરી દેવો જોઈએ. જો તમારી પાસે એવો ફોન છે જેની બેટરી અલગ થઈ શકે છે તો ફોનને ખોલીને બેટરી અલગ કરી દો. જોકે હવે મોટાભાગના ફોન ઇનબીલ્ટ બેટરી સાથે આવે છે. તેથી આ ઓપ્શન રહેતો નથી.
– ફોનને સ્વીચ ઓફ કર્યા પછી તેમાંથી કવર, સીમકાર્ડ, મેમરી કાર્ડ અને અન્ય એસેસરીઝ પણ દૂર કરી દેવી જોઈએ.
ફોનમાંથી કાઢેલી એસેસરીઝ અને સિમ કાર્ડને પણ ટિશ્યૂ પેપરમાં લપેટીને થોડીવાર રાખી દેવી જોઈએ જેથી તેમાં રહેલો ભેજ અને પાણી સુકાઈ જાય.
– ભીના થયેલા સ્માર્ટફોન ને પણ ટિશ્યૂ પેપરથી બરાબર સાફ કરીને સુકાવા માટે રાખી દેવો જોઈએ. ફોનને તમે પંખા નીચે અથવા તો ચોખાના વાસણમાં પણ રાખી શકો છો તેનાથી ભેજ ઝડપથી સુકાઈ જશે.
ફોન ભીનો થાય તો ઘણા લોકો ઉતાવળમાં તેને ડ્રાયરથી સુકાવે છે. પરંતુ આવી ભૂલ ક્યારે કરવી નહીં. ડ્રાયરથી ફોનની ચીપ અને મધરબોર્ડને નુકસાન થઈ શકે છે. તેથી ફોન પર ક્યારેય ડ્રાયર કરવું નહીં. ફોનને પંખાની હવામાં જ સુકાવા દેવો. જો તડકો હોય તો ફોનને થોડીવાર તડકામાં રાખી દો.
– ફોન બરાબર રીતે સુકાઈ જાય પછી જ તેને ચાલુ કરવો જોઈએ. ફોનને ઉતાવળમાં ચાલુ કરવાની ભૂલ કરશો તો ભેજના કારણે તે ખરાબ પણ થઈ શકે છે.