ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ 35 ટકા કરતા ઓછું હશે તો માર્કશીટમાં નાપાસ લખાશે
અમદાવાદઃ શિક્ષણમાં દર વર્ષે કોઈને કોઈ અખતરા કરવામાં આવતા હોય છે. વર્ષો પહેલા એવો નિયમ બનાવ્યો હતો કે, ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ 35 ટકાથી ઓછા ગુણ મેળવે તો તેની માર્કશીટમાં ફેઈલ યાને નાપાસ લખવું નહીં. જો કે વર્ષો પહેલા તે નિર્ણય કેમ લેવાયો હતો. વિદ્યાર્થીઓના માનસ પર કેટલો ફાયદો થયો તેની કોઈને ખબર નથી. હવે 12 વર્ષે ફરી નિર્ણય બદલવો પડ્યો છે. વિદ્યાર્થીની માર્કશીટમાં ઓછા ગુણ મેળવેલા હશે તો નાપાસનો ઉલ્લેખ કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની જુદી જુદી શાળાઓ દ્વારા પરિણામ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હવે નાપાસ વિદ્યાર્થી માટેનો નિયમ બદલાયો છે. 12 વર્ષ બાદ આ વર્ષથી ફરી એકવાર બાળકની માર્કશીટમાં નાપાસ શબ્દનો ઉલ્લેખ થઈ શકશે. ધોરણ 5 અને 8 ના વર્ગના બાળકો કે જેમનું પરિણામ 35 ટકા કરતા ઓછું હશે, તેમને નાપાસ જાહેર કરી શકાશે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને 8 ના બાળકોને નાપાસ કરવા અંગે લેવાયેલા નિર્ણયની અમલવારી શરૂ થશે. જે પણ બાળક નાપાસ થશે તેને ફરી બે મહિના અભ્યાસ કરાવી પરીક્ષા લેવાની રહેશે, પાસ થાય તો આગળના વર્ગમાં અભ્યાસ કરાવવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ શાળાઓએ 30 એપ્રિલ સુધીમાં પરિણામ તૈયાર કરવાના છે અને 1 મેથી તમામ શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. રાજ્યભરમાં 5 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. હાલ પેપર ચકાસણીનો સમય ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથીનાપાસ કરવાના નિયમમાં ફેરફારો કરાયા હતા. ત્યારે હવે 12 વર્ષ બાદ આ નિયમ બદલાયો છે. હવેથી બાળકોની માર્કશીટમાં 12 વર્ષ બાદ નાપાસ લખીને આવશે. ધોરણ 5 અને 8 માં નબળા એટલે કે 35 ટકા માર્કસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની માર્કશીટમાં 12 વર્ષ બાદ નાપાસ લખી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, થોડા વર્ષો પહેલા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 5 અને ધોરણ 8 માં નાપાસ કરવાની પોલીસી અમલમાં મૂકાઈ હતી. ધોરણ 5 અને 8 માં નબળા બાળકોને નાપાસ કરવાનો નિયમ લાગુ કરાયો હતો. જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, નાપાસ થનારા બાળકોને બે મહિના શિક્ષણ આપવું અને બાદમાં તેની ફરીથી પરીક્ષા લેવી. બાળક પાસ થાય તો તેને આગળના વર્ગમાં લઈ જવું. જોકે, શિક્ષણ વિભાગના આ નિયમને કારણે શિક્ષકો અટવાયા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીને ફરીથી 2 મહિના ભણાવીને પાસ કરવાને કારણે ગેરસમજ થઈ હતી.