ગાંધીનગરઃ રાજ્યભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષકોએ જુની પેન્શન યોજના સત્વરે લાગુ કરવાની માગ પ્રબળ બનાવીને આંદોલનની ચીમકી આપી છે, છેલ્લા કેટલાક સમયથી અનેક કર્મચારી સંગઠનો સરકારથી નારાજ છે અને પોતાની માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે. 2004 સુધી જૂની પેંશન યોજનાનો લાભ મળતો હતો, જે 2005 બાદના કર્મચારીઓને મળતો નથી. જેથી આજે અલગ અલગ કર્મચારીઓના સંગઠનો કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને માંગણી કરી હતી.
ગુજરાતમાં સરકારે જુની પેન્શન યોજના બંધ કરીને 2005થી ભરતી થયેલા સરકારી કર્મચારી માટે નવી પેંશન યોજના શરૂ કરી છે, જેનો અનેક સંગઠનો વર્ષોથી વિરોધ કરી રહ્યા છે. છતાં માંગણી પૂરી થઈ નથી. જેથી હવે તમામ સંગઠનો એક સરખી માંગણી હોવાથી ભેગા થયા છે. રાષ્ટ્રીય ઓલ્ડ પેંશન પુન: સ્થાપના સંયુક્ત મોરચા સાથે આજે 23 અલગ અલગ સંગઠનોના કર્મચારી કલેકટર કચેરીએ રેલી કાઢીને પહોંચ્યા હતા અને સુત્રોચાર અને બેનર સાથે નવી પેંશન યોજના બંધ કરી જૂની પેંશન યોજના શરૂ કરવા માંગ કરી છે.
રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના આગેવાન આર.પી પટેલે જણાવ્યું હતું કે, હું શિક્ષક છું, લોકોની એવી માન્યતા હોય છે કે શિક્ષક શાસ્ત્ર જ ભણાવી શકે પરંતુ શિક્ષક ના છૂટકે શસ્ત્ર પણ ઉપાડશે. પેંશન અમારો અધિકાર છે જેની લડાઈ અમે લડી રહ્યા છીએ. અમે સંઘર્ષ કરીશું પરંતુ મેદાન નહીં છોડીએ. આજે પેંશન એક માત્ર જ મુદ્દો છે. અમે 700 થી 800 કર્મચારીઓ આવ્યા છીએ. 2004 પછીના તમામ સરકારી નોકરીના કર્મચારીઓને આ અસર કરતો પ્રશ્ન છે. અમારી રજુઆત અંગે કોઈ નિર્ણય નહીં થાય તો આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.