ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં E ગ્રેડ આવશે તો ફરી પરીક્ષા લેવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ-5 અને 8ના જે વિદ્યાર્થીઓએ ઇ ગ્રેડ મેળવ્યો હોય તેમને બે માસ સુધી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીને શાળામાં પુન:કસોટી લેવાની રહેશે. તેમાં જો ગ્રેડમાં સુધારો જણાય તો જ તેને વર્ગબઢતી અપાશે. જે વિદ્યાર્થીઓએ ઈ ગ્રેડ મેળવ્યો હશે તેવા વિદ્યાર્થીઓએ ઉનાળા વેકેશન દરમિયાન ઉપચારાત્મક કાર્ય કરાવવા કરવું પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે ફરજિયાત શિક્ષણના કાયદા અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષ-2022-23માં ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ બનાવ્યો છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ સુધારવા માટે આવો નિયમ યોગ્ય છે. પરંતુ નાપાસ થનારા વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક કાર્યક્રમ યોજવાનો આદેશ પણ શિક્ષણ વિભાગે કર્યો છે. આથી નાપાસ વિદ્યાર્થીઓ માટેનો ઉપચારાત્મક કાર્યક્રમ ઉનાળા વેકેશનમાં જ યોજવાનો રહેશે. આથી ધોરણ 5 અને 8ના શિક્ષકોને ઉનાળું વેકેશનનો પુરતો લાભ મળવાની શક્યતા ઓછી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે, શિક્ષણ વિભાગ દ્વારા એક બાજુ ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના નિયમની અમલવારીનો આદેશ કર્યો છે. જ્યારે બીજી તરફ ઉપચારાત્મક શિક્ષણનો નિયમ બનાવીને પાછલા બારણે વિદ્યાર્થીઓને પાસ કરવાનો રસ્તો બનાવી દેતા શિક્ષણ સુધારણાની વાતો માત્રને માત્ર સરકારી કાગળ ઉપર જ રહેશે તેમ લાગી રહ્યું છે. ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓમાંથી જેણે ઇ-ગ્રેડ મેળવ્યો હોય એટલે કે 35 ટકાથી ઓછા ટકા મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય પરિણામ જાહેર થયાને બે માસ સુધી કરવાનું રહેશે. ત્યારબાદ શાળાકક્ષાએ પુન:કસોટી યોજીને તેમાં વિદ્યાર્થીના ગ્રેડમાં સુધારો થાય તો તેને વર્ગ બઢતી આપવાની રહેશે. બાકીનાને નાપાસ ગણવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન ઓનલાઇન શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કચાશ જોવા મળતી હતી. આથી વિદ્યાર્થીઓમાં વાંચન, ગણન અને લેખનમાં જોવા મળતી કચાશને દુર કરવા માટે શિક્ષકો દ્વારા શાળા સમય પહેલાં અને પછી એક કલાકનો સમયદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષથી ધોરણ-5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ અમલ કરવાની જરૂર હતી નહી. તેને બદલે શૈક્ષણિક વર્ષ-2023-24માં તેની અમલવારી કરવાથી સચોટ પરિણામે મેળવી શકાય તેવી ચર્ચા શિક્ષક આલમમાં જોવા મળી રહી છે. (file photo)