વઢવાણના ખોડુ સહિતના ગામોને નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તો મતદાનનો બહિષ્કાર કરાશે
સુરેન્દ્રનગરઃ જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામ ખાતે ખેડુતોની બેઠક મળી હતી. જેમાં જો ખોડુ ગામની સીમમાં નર્મદાના પાણી ખેડૂતોને આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. નર્મદાના પાણી સિંચાઈ માટે આપવાની માગ ખેડુતો ઘણા સમયથી કરી રહ્યા છે. હજુ પણ આગામી સપ્તાહમાં સરકારને રજુઆત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર શહેરમાં અને તેના જિલ્લા અને તાલુકા મથકોમાં ખેડૂતો હાલમાં શિયાળુ પાકની વાવણી તરફ આગળ ધપી રહ્યા છે. ત્યારે હાલમાં નર્મદાના પાણી બે કાંઠે વહી રહ્યા હોવા છતાં પણ સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવામા ઠાગાઠૈયા કરી રહી છે. અને ખેડૂતોને પાણી ન મળવાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અનેક જિલ્લા અને તાલુકા મથકોએ ખેડૂતોની પાણીની માંગ સાથે સરકાર સામે ઉકળાટ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે ખેડૂતોની સમસ્યા ઉપર ધ્યાન ન આપનારી સરકારને ખેડૂતો દ્વારા અનેક પ્રકારની ચીમકીઓ આપવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોડુ ગામે સરપંચોની એક બેઠક મળી હતી. જેમાં ખેડૂતોને નર્મદા કેનાલના પાણી આપવામાં ન આવતા ખેડૂતોએ અનેક પ્રકારની રજૂઆતો છતાં અને ખેડૂતોને યેનકેન પ્રકારે હેરાનગતિ કરાતી હોવાનું પણ સરપંચોને ખેડૂતોએ જણાવ્યું હતુ. સરપંચો દ્વારા ખેડૂતોની માગણી પૂરી કરવા માટેની રજૂઆત કરવાની ખાતરી હાલમાં આપવામાં આવી છે. જો આ નર્મદાના પાણી ખેડૂતોને ન આપવામાં આવે તો ચૂંટણી મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને આગામી તા. 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ વઢવાણ તાલુકાના ખોડુ ગામના ખેડૂતો અને સરપંચો સાથે રહી. આવેદન પત્ર પાઠવી અને નર્મદા કેનાલમાંથી પાણી આપવા માટેની માંગણી કરવામાં આવશે. અને આ માંગણી જો પૂરી કરવામાં ન આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે. (file photo)