Site icon Revoi.in

મહાગઠબંધનવાળી સરકારના કોઈ વિભાગમાં ગડબડી થઈ હશે તો કાર્યવાહી કરાશેઃ નીતિશ કુમાર

Social Share

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નીતિશ કુમારને મહાગઠબંધનના દરવાજા ખુલ્લા હોવાની ઓફર બાદ બિહારના રાજકારણમાં ગરમાયું છે. દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, જેને જે કહેવું હોય તે કહેવા દો, તેનાથી મારે કોઈ લેવા નથી. અમે ફરીથી એનડીએમાં છીએ અને અહીં જ રહીને બિહારનો વિકાસ કરીશું. ભારત રત્ન કર્પૂરી ઠાકુરની પૂણ્યતિથિ પર નીતિશ કુમારે કહ્યું હતું કે, જ્યારે હું વિધાનસભામાંથી નીકળી રહ્યો હતો ત્યારે લાલુ પ્રસાદ આવી રહ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે મુલાકાત થતા તેમનું અભિવાદન કર્યું હતું. મારી જેની સાથે પણ મુલાકાત થાય ત્યારે તેમનું સ્વાગત કરવાની સાથે અભિવાદન કરું છું. આરજેડી સાથેના ગઠબંધનવાળી સરકારમાં જો કોઈ ગડબડી થઈ હોવાનું સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ નીતિશ કુમારે તૈયારીઓ દર્શાવી હતી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું હતું કે, લાલુ પ્રસાદ સાથે મુલાકાતને પગલે તેનો અર્થ એવો નથી થતો કે અમે પરત તેમની સાથે મળીને કામ કરીશું. અમે એનડીએમાં પરત ફર્યાં છે અને હવે ક્યાંય જવાનું નથી. હાલ અમે તમામ વિભાગની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કોઈ ગડબડી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. હાલ એનડીએની સરકારમાં આઠ મંત્રી કામ કરી રહ્યાં છે અને સમય આવશે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. તાજેતરમાં જ નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ વચ્ચે મુલાકાત થઈ થઈ હતી. જે તે વખતે લાલુ પ્રસાદે જણાવ્યું હતું કે, નીતિશ કુમાર પરત આવશે ત્યારે જોઈશું. મહાગઠબંધનના દરવાજા હંમેશા ખુલ્લા છે. તેમજ લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.