હિન્દુઓના પવિત્ર સ્થાન મનાતા વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સર્વેને લઈને મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. કોર્ટનો શું આદેશ આવે છે તેની ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. જો કે, મુસ્લિમ પક્ષ સર્વેનો સતત વિરોધ કરવાની સાથે જ્ઞાનવાપી ઉપર દાવો કરવાની સાથે અહીં 100-200 નહીં પરંતુ એક હજારથી પણ વધારે વર્ષોથી મસ્જિદ ઉભી હોવાનો દાવો કરી રહ્યાં છે, બીજી તરફ હિન્દુ પક્ષ પણ અહીં ઈસ્લામિક આક્રમણકારોએ પવિત્ર મંદિરને તોડીને અહીં મસ્જિદ ઉભી કરી હોવાનો દાવો કરવાની સાથે સર્વેની માંગણી કરી રહ્યું છે. અહીં વર્ષોથી મસ્જિદ હતી અને મંદિર તોડ્યાં વિના જ મસ્દિજ બનાવવામાં આવી હોય તો મુસ્લિમ પક્ષ શું કામ સર્વેની કામગીરીનો વિરોધ કરી રહ્યું તેવી અટકળો વહેતી થઈ છે. સર્વેથી મસ્જિદ પરીસરને કોઈ પણ નુકસાન નહીં થવાની એએસઆઈએ અદાલતમાં ખાતરી આપી હોવાથી સર્વેથી મસ્જિદ પરીસદને નુકસાન થવાની મુસ્લિમ પક્ષની રજૂઆતનો છેદ ઉડી જાય છે. જો કે, સર્વેને અંગે કોર્ટ શું નિર્ણય લે છે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે, પરંતુ મોટાભાગના લોકો એવુ માની રહ્યાં છે, મુસ્લિમ પક્ષનો દાવો સત્ય હોય તો તેમણે પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે સર્વેની કામગીરીમાં જોડાવવું જોઈએ.
જ્ઞાનવાપીના ઈતિહાસ અંગે અનેક ઈતિહાસકારોએ ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. સનાતન ધર્મના અનેક પવિત્ર ધાર્મિકગ્રંથોમાં વારાણસીને એક અવિમુક્ત ક્ષેત્ર તરીકે ઉલ્લેખ કર્યો છે. અહીં વિશ્વેશ્વર મહાદેવના નામનું સ્વયં પ્રગટ જ્યોતિર્લિંગ હતું. 12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં, અવિમુક્તેશ્વર મહાદેવ અથવા વિશ્વેશ્વર મહાદેવનું આ જ્યોતિર્લિંગ અગ્રણી અને સૌથી પવિત્ર હતું. આ જ્યોતિર્લિંગની નજીક એક કૂવો હતો, જે દૈવી અને પવિત્ર માનવામાં આવતો હતો.દંતકથાઓ અનુસાર, આ કૂવાનું પાણી ગંગાના પાણી કરતાં પણ વધુ પવિત્ર હતું. આ કૂવાનું પાણી પીને જ્ઞાન પ્રાપ્ત થયું. સંસ્કૃત ભાષા અનુસાર ‘વાપી’નો અર્થ કૂવો થાય છે અને આ કૂવાના પાણીમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ તેને જ્ઞાનવાપી પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે જ્ઞાનનો કૂવો. એક માન્યતા એવી પણ છે કે જ્ઞાનવાપી કૂવાનું પવિત્ર જળ પીવાથી માણસના હૃદયમાં ત્રણ જ્યોતિરૂપ લિંગ આવે છે અને તેનાથી માણસનો આત્મા પવિત્ર બને છે.
હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ મહાભારતમાં પણ વારાણસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતના વન પર્વના અધ્યાય 84માં વારાણસી તીર્થસ્થળમાં હાલના કાશી વિશ્વનાથ કોરિડોર વિસ્તારમાં સ્થિત જ્ઞાનવાપી કૂવો અન્ય નામથી ઉલ્લેખવામાં આવ્યો છે. વનપર્વના તીર્થયાત્રાના અધ્યાયોમાં એક સંદર્ભ છે કે જ્યારે યુધિષ્ઠિર અને અન્ય પાંડવો વનવાસમાં હતા ત્યારે અર્જુન શસ્ત્રો શીખવા માટે સ્વર્ગમાં હતા. યુધિષ્ઠરજીએ અર્જુનજીના પરત ફરતા પહેલા તીર્થયાત્રા કરવાનો સંકલ્પ લીધો હતો. યુધિષ્ઠિરજીનો આ વિચારજાણીને દેવર્ષિ નારદજી તેમની પાસે આવ્યાં હતા. તેમજ યુધિષ્ઠિરજીને ભીષ્મજી અને પુલત્સ્ય ઋષિજી વચ્ચેનો સંવાદ સંભળાવ્યો હતો. જેમાં વિવિધ તીર્થોની મહિમાનો ઉલ્લેખ હતો. દેવર્ષિજીએ કહ્યું કે, ભીષ્મજીના વ્રત વગેરેને લઈને પ્રસન્ન થઈને પુલસ્ત્ય ઋષિજીએ વિવિધ તીર્યોની મહિમા જણાવીને વારાણસીના અવિમુક્ત ક્ષેત્રની મહિમા કહી હતી,
ततो वाराणसीं गत्वा अर्चयित्वा वृषध्वजम्.
कपिलाह्रदे नरः स्नात्वा राजसूयमवाप्नुयात्…
અર્થઃ તદંતર વારાણસી તીર્થમાં જઈને ભગવાન શંકરજીની પૂજા કરો અને કપિલાહ્રદમાં ડુબકી લગાવો. જેથી મનુષ્યને રાજસૂય યત્રનું ફળ પ્રાપ્ત થાય છે.
अविमुक्त समासाद्य तीर्थसेवी कुरुद्वह..
दर्शनाद् देवदेवस्य मुच्यते ब्रह्म्हत्यया..
प्राणानुत्सृज्य तत्रैव मोक्षं प्राप्तोति मानवः..
અર્થઃ કુરુશ્રેષ્ઠ અવિમુક્ત તીર્થમાં જઈને તીર્થસેવી મનુષ્ય દેવોના દેવ મહાદેવજીના દર્શનમાત્ર કરીને બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળે છે. અહીં જ પ્રાણ ત્યાગીને મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે.
અહીં સ્થિત અવિમુક્તેશ્વર જ્યોતિર્લિંગને આદિલિંગ પણ કહેવામાં આવે છે અને તે અનાદિ કાળથી સ્થાપિત હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રાચીન સમયથી કાશી વિશ્વનાથ કોરિડોર વિસ્તારમાં રહે છે. તમામ જ્યોતિર્લિંગોમાં તેને પ્રથમ સ્થાન મળ્યું છે. અનેક હિંદુ ગ્રંથોમાં પણ આ વિસ્તારનો મહિનાનો ઉલ્લેખ કરાયો છે.
ઈતિહાસકારોના મતે, કાશી વિશ્વનાથ મંદિર 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. મુસ્લિમ આક્રમકારોના નિશાના ઉપર હિન્દુ ધાર્મિક સ્થળો હતા. સૌપ્રથમ 1194 માં મોહમ્મદ ઘોરીના સૈનિકો દ્વારા આ મંદિર પર હુમલો કરવામાં આવ્યો અને લૂંટ કરવામાં આવી અને મંદિરને તોડી પાડવામાં આવ્યું. જો કે, તે ફરીથી બનાવવામાં આવ્યું હતું. પરંતુ જૌનપુરના શર્કી સુલતાનો, જેમણે જૌનપુરમાં અટાલા દેવીના મંદિરને તોડીને તેને મસ્જિદ બનાવી દીધી હતી, તેણે ફરી એકવાર કાશી વિશ્વનાથ મંદિર પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધું. વિશ્વનાથ મંદિરનો નાશ કરનાર સુલતાનનું નામ સુલતાન મહમૂદ હતું. અકબરના શાસન દરમિયાન, તેના નાણામંત્રી રાજા ટોડરમલે ફરીથી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. જ્યારે શાહજહાં આગ્રાના સિંહાસન પર સમ્રાટ બન્યો, તેના થોડા સમય પછી તેણે ફરીથી વર્ષ 1632 માં વિશ્વનાથ મંદિર પર હુમલો કરવા માટે તેની સેના મોકલી. પરંતુ કાશીના હિંદુઓના વિરોધને કારણે મુઘલો કાશી વિશ્વનાથ મંદિરને તોડવામાં સફળ ન થઈ શક્યા. 18 એપ્રિલ 1669ના રોજ, ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવા માટે તેની સેના મોકલી. 2 સપ્ટેમ્બર 1669ના રોજ કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવાની ઘટના બની હતી. આ અંગે ઔરંગઝેબે આપેલા આદેશની અસલ નકલ આજે પણ કોલકાતાની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે.
ઇતિહાસકારોના મતે, ઔરંગઝેબની સેના દ્વારા કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ મુઘલ સલ્તનત નબળી પડતા અને મરાઠાઓની શક્તિ વધવા લાગી, ત્યારે આ મહાન મંદિરના પુનઃનિર્માણના પ્રયાસો ફરી શરૂ થયા. મરાઠા શાસક દત્તાજી સિંધિયા અને માલવરાવ હોલકરે તેમના શાસનકાળ દરમિયાન ફરી એકવાર કાશી વિશ્વનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંને સફળ થઈ શક્યા નહીં. છેવટે, 1777-1780 ની વચ્ચે, ઈન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોલકરે કાશી વિશ્વનાથ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. તેમ છતાં મંદિર આજે પણ તેના મૂળ સ્થાને સંપૂર્ણ રીતે સ્થાપિત થયું નથી અને મસ્જિદ હજુ પણ જ્ઞાનવાપીની સાથે બિન-કબજાવાળા વિસ્તારમાં સ્થિત છે. જો કે, મસ્જિદની દિવાલો ઉપર હિન્દુ ધાર્મિક નિશાનો હાલ પણ ઉપલબ્ધ છે. તેથી જ હિન્દુ પક્ષ આધુનિક ટેકનોલોજીની મદદથી સર્વેની માંગણી કરી રહ્યું છે.