2010 પહેલાંનું વાહન હોય તો RC બેકલોગ માટે હવે PUCની જરૂર નહીં પડે
અમદાવાદઃ રાજ્યમાં 2010 પહેલાંના વાહનની આરસી બુકના બેકલોગ માટે પીયુસી સર્ટિ.ની આવશ્યકતા નથી. ઓનલાઇન અરજી એપ્રૂવલ નહીં થતાં રૂબરૂ તપાસ માટે આવતા અરજદારો પાસે આરટીઓ કર્મચારીઓ પીયુસી સર્ટિ. માગીને પરેશાન કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં 2010 પહેલાના વાહનોની આરસી બુકના બેકલોગ માટે રોજના 200-250 અરજદારો આવે છે. બેકલોગ માટે આવતા અરજદારોને પીયુસી સર્ટિ.લઇને આવવાનું કહી રવાના કરી દેવાતા હતા. આથી હવે આરસી બુક બેકલોગ માટે પીયુસી સર્ટીની માગવું નહીં એવો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાહનમાલિકો આર સી બેકલોગ માટે ઓનલાઇન અરજી કરે ત્યારે પુરાવાના અભાવે આરટીઓમાંથી અરજી બેક થાય છે. જેની જાણ અરજદારોને નહીં થતાં 10 દિવસ સુધી અરજી આરટીઓમાં પડી રહે છે. આ સિવાયની ઓનલાઇન અરજીમાં એપ્રૂવલનો મેસેજ નહીં આવતા અરજદારોને એપ્રૂવલની પ્રોસેસ કરાવવા આરટીઓમાં ધક્કા ખાવા પડે છે. અન્ય કિસ્સામાં આરસીબુકની ઝેરોક્સના આધારે રેકર્ડમાંથી વાહનના ડેટા મળી શક્તા હોવા છતાં અરજદારો પાસે એફિડેવિટનો ખર્ચ કરાવાય છે. આવી ફરિયાદો મળ્યા બાદ સરકારે નિર્ણય લીધો છે કે, 2010 પહેલાના વાહનોના બેકલોગ માટે અરજદારો આરટીઓમાં આવે અથવા ઓનલાઈન અરજી કરે ત્યારે વાહનાના પીયુસી સર્ટીનો આગ્રહ રાખવા નહીં. અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ આરટીઓને સુચના આપવામાં આવી છે. આરટીઓ કમિશનર દ્વારા આરટીઓની કામગીરી સરળ થાય તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.