Site icon Revoi.in

ઈરાન અને ઈઝરાઈલ વચ્ચે યુદ્ધ થશે તો ગુજરાતનો હીરા ઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાશે

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં લાખો લોકોને રોજગારી આપતો હીરા ઉદ્યોગમાં છેલ્લા ગણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. હીરા ઉદ્યોગના વેપારીઓના કહેવા મુજબ ઈઝરાયલ સહિતના દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય છે જેને કારણે હીરા ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં કમાણી કરે છે, પરંતુ જો ઈઝરાયલ યુદ્ધ થાય તો માંગ ઘટી જશે, અને હીરા ઉદ્યોગને વ્યાપક મંદીનો સામનો કરવો પડશે.

ઈઝરાયેલના યુદ્ધના ભણકારા વચ્ચે હીરા ઉદ્યોગની કમર ભાંગવાનો ડર ભાવનગર ડાયમંડ એસોસિએશન દ્વારા વ્યક્ત કરાયો છે. એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, 1 વર્ષ પહેલાં યુક્રેન રશિયાના યુદ્ધની અસર થઈ અને મંદીના મહોલમાંથી હીરાનો વેપાર પસાર થઈ રહ્યો છે. એક સવા વરસથી મંદીનો માહોલ છે એમાં પણ અત્યારે ઈરાન ઈઝરાયલ યુદ્ધ થાય તો હીરા ઉદ્યોગ પર પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થશે. યુદ્ધથી ઘણા માણસોની રોજી રોટી છીનવાઈ જશે કારણ કે, વેપારીઓ ક્યાં સુધી પોતાની પૈસા કે મૂડી ઓછા કરીને વેપાર ચલાવે એને પણ બંધ કરવાની ફરજ પડશે. તેથી આ યુદ્ધ ન થાય તે અમારા માટે ફાયદાકારક છે.

સુરત બાદ હીરા માટેનું હબ ભાવનગર શહેર ગણાય છે. જો યુક્રેન બાદ ઈઝરાયલ યુદ્ધ થાય તો આ ઉદ્યોગની કમર ભાંગી જાય તેમ છે. તેમજ હજારો લોકો બેરોજગાર થઈ જાય તેવી સ્થિતિ સર્જાશે. ભાવનગરમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરોને માટે અન્ય રોજગારીની તકો પણ નથી તેમ એસોસિયેશનનું માનવું છે. વર્તમાનમાં ચૂંટણીના માહોલ વચ્ચે આચાર સંહિતાને કારણે આંગડિયા પેઢીમાં રોકડીયો વ્યવહાર અટકયો છે. તેથી હીરા ઉદ્યોગને તકલીફ પડી રહી છે.

ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈએ ઉમેર્યું હતું કે, ઈઝરાયલ જેવા દેશોમાં પોલીશ થયેલા હીરાની માંગ વધારે રહેતી હોય છે જેને કારણે હીરા ઉદ્યોગ સારા એવા પ્રમાણમાં કમાણી કરે છે, પરંતુ જો ઈઝરાયલ યુદ્ધ થાય તો માંગ ઘટી જાય અ સ્થાનિક કક્ષાએ ભાવનગરમાં હીરાના કારખાનાઓ અને ઓફિસ ઉપર સીધી અસર થઈ શકે છે. આમ ઈઝરાયેલ યુદ્ધના કારણે બેરોજગારીનું પ્રમાણ મોટાપાયે વધી શકે છે. (file photo)